fbpx
ભાવનગર

માત્ર એક ફોનથી દર્દીના ઘર સુધી નિઃશૂલ્ક નારિયેળ પાણી પહોંચાડવાનો સેવા યજ્ઞ

કોરોના કપરાં કાળમાં રોગપ્રતિકાર શક્તિ મહત્વની ભૂમિકા ભજવે છે. જે લોકોની રોગપ્રતિકાર શક્તિ સારી હોય છે, તેઓ ખૂબ ઝડપથી કોરોનાને મ્હાત આપીને બેઠાં થાય છે. એટલે જ આપણે ત્યાં કોઇપણ પ્રકારના બિમાર દર્દીઓને નારિયેળ પાણી આપવામાં આવતું હોય છે. અત્યારે ગરમી છે અને નારિયેળની સિઝન પણ નથી તેથી પાણીવાળા નારિયેળના ભાવ પણ રૂા. ૧૦૦ જેટલાં ઉંચા છે.

આવા સમયે કોરોનાથી સંક્રમિત થયેલાં બધાં લોકો માટે તે ખરીદવું શક્ય બનતું હોતું નથી. તેથી આવા દર્દીઓની રોગપ્રતિકાર શક્તિ વધે તે માટે ભાવનગરમાં અગરબત્તી અને પરફ્યૂકમનો ધંધો કરતાં ધંધાર્થી એવાં જયદેવભાઇ ત્રિવેદીએ કોરોનાના દર્દીઓને તેમના ઘર આંગણે નારિયેળ પાણી પહોંચાડીને ‘સેવાની સુવાસ’ ફેલાવી રહ્યાં છે.

વર્તમાનમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોનાના દર્દીઓ માટે કંઇક કરી છૂટવાની મહેચ્છા સાથે ૧૦૦ દર્દીઓ સાથે શરૂ કરેલો સેવાયજ્ઞ આજે ૮૦૦ નારિયેળ પાણીની બોટલ સુધી પહોંચ્યો છે.

જે કોરોનાના દર્દીઓ આ નારિયેળ પાણીની સેવા મેળવવાં માંગે છે. તેઓ જયદેવભાઇને તેમના મો.નં. ૬૩૫૭૬ ૭૫૫૫૫ પર સવારે ૧૧.૦૦ વાગ્યા પહેલા દર્દીનું નામ, નંબર અને સરનામું જણાવે એટલે જયદેવભાઇ અને તેમની સાથે કાર્ય કરતાં ૮ સ્વયંસેવકોની ટીમ સાંજ સુધીમાં તેમના ઘરઆંગણે નારિયેળ પાણીની બોટલ પહોંચાડી દે છે.

તેઓની ટીમના એક સભ્ય કે જેઓની ઉંમર-૬૫ વર્ષ છે. છતાં, તેઓ સાયકલ પર સમગ્ર ભાવનગરમાં નારિયેળ પાણીની બોટલ પહોંચાડવાનું કાર્ય કરે છે. બે સ્વયં સેવકો એમ.બી.એ. થયેલાં છે. છતાં, આ કામમાં રોકાયેલાં છે. આ ઉપરાંત આ સ્વયંસેવકો દર્દીઓના ઘરે નારિયેળ પાણીની બોટલ પહોંચાડવા માટે વાહનનું પેટ્રોલ પણ પોતાના ખર્ચે પુરાવે છે.

ભાવનગરમાં વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેઓને હજુ વધુ સ્વયંસેવકોની જરૂર છે. જો વધુ સ્વયંસેવકો મળે તો તેઓ તેમનું ફલક વધારીને ભાવનગર શહેર સિવાય ભાવનગર ગ્રામ્ય અને બાદમાં બોટાદ અને રાજકોટ સુધી તેમની સેવા વિસ્તારવાં માંગે છે.

લુહાર જ્ઞાતિની વાડી, લેપ્રસી હોસ્પિટલ સહિત ભાવનગર શહેરમાં તેઓ અત્યાર સુધી દરરોજ ૪૫૦ નારિયેળ પાણીની બોટલ પહોંચાડતાં હતાં. તેઓએ આ ઉપરાંત જરૂરિયાતને ઓળખીને ભાવનગરથી ૪૦ કિ.મી. દૂર આવેલાં ચોગઠ ગામ સુધી આ બોટલો પહોંચાડી છે.

બે દિવસથી તેમણે સર ટી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પણ ૪૦૦ જેટલી નારિયેળ પાણીની બોટલ પહોંચાડવાનું શરૂ કર્યું છે. દર્દીઓ સાથે તેઓ દર્દીઓની સેવામાં રોકાયેલાં ફ્રન્ટલાઇન કોરોના વર્કર્સ અને તેની સાથે દર્દીઓના સગાં-વ્હાલાઓની સેવામાં રોકાયેલાં લોકોને પણ આ નારિયેળ પાણીની બોટલ પહોંચાડી તેમની પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે. આજથી તેમણે ૧૦૮ માં કાર્યરત ૪ થી ૪૫ લોકોને પણ આ નારિયેળ પાણી આપવાનું ચાલૃં કર્યું છે.

શ્રી જયદેવભાઇ કહે છે કે, કોઇપણ પ્રકારની સખાવત વગર તેઓ અને તેમની ટીમ માત્ર એક ફોન પર જણાવેલ સરનામે નારિયેળ પાણી પહોંચાડી દે છે. તેઓ એ પણ નથી જોતાં કે ‘તેઓ રોડપતિ છે કે કરોડપતિ’ તેમના માટે તો બધાં એક સરખા દર્દીનારાયણ રૂપે સરખાં છે.

તેમનું નામ જયદેવ છે. જો તેને થોડું ઉલટ-સુલટ કરીએ તો ‘દેવ ઉપર જય’ મેળવનાર એવો થાય. એટલે કે તેઓ સાચા અર્થમાં દર્દીનારાયણમાં દેવના દર્શન કરીને તેમની કૃપા મેળવવાં માટે આ સેવા યજ્ઞ ચલાવે છે.

તેઓ કહે છે કે, તેમની કોઇપણ સ્વાર્થ વગરના પરમાર્થથી ૯૮ ટકા કોરોનાના દર્દીઓની રોગપ્રતિકાર શક્તિ વધે છે તેઓ દર્દીઓનો અભિપ્રાય છે. તેમનો આ પોઝિટિવ અભિપ્રાય જ તેમને વધુ સેવા કરવાની પ્રેરણાં આપે છે.

શ્રી જયદેવભાઇ કહે છે કે, આ નારિયેળ પાણીની બોટલ બનાવવાં માટેનો અર્ક મુંબઇથી મંગાવે છે. આ એ અર્ક છે કે જેની અમેરિકામાં નિકાસ થાય છે. આ પાવડરમાં તેઓ આર.ઓ.નું પાણી મેળવીને ૨૦૦ મી.લી.ની એક એવી બોટલ બનાવે છે. આ માટેના નારિયેળ પાણીનું ટેસ્ટિંગ પણ જયદેવભાઇ પણ પોતે જાતે કરે છે.

તેઓ કહે છે કે, કોરોનાના પોઝિટિવ દર્દીઓને પાંચ દિવસ સુધી નારિયેળ પાણીની બોટલ પહોંચાડે છે. ત્યારબાદ લોકો જ સામેથી કહે છે કે, હવે તમે અમારા સિવાય બીજા દર્દીઓને આપો જેથી વધુને વધુ લોકોને તેનો લાભ મળે.

તેઓ પાણીની બોટલ પર નિઃશૂલ્ક પાણીની બોટલ એવું સ્ટીકર લગાવીને પણ આપે છે. જેથી તેનો કોઇ દૂરોપયોગ ન કરી શકે. આ ઉપરાંત તે હંમેશા ફ્રેશ જ રહે તે માટે તેઓ લોકોને આ પાણી પાંચ- છ કલાકમાં જ વાપરી નાંખે તેવી સૂચના પણ આપે છે.

‘સ્વાર્થ વગરના આ પરમાર્થ’ ની સેવા માટે એક નારિયેળ પાણીની બોટલ રૂા.૨૦ માં પડે તેવી ગણતરી કરીએ તો પણ રોજના રૂા.૧૬,૦૦૦/- નું નારિયેળ પાણી દરરોજ વહેંચે છે. અત્યાર સુધી તેમણે આવી આશરે ૭૬૦૦ નારિયેળ પાણીની બોટલ વહેંચી છે. તેઓ આ માટેની ગણતરી રાખતાં નથી પણ ખાલી થયેલી બોટલોને આધારે આ ગણતરી છે.

તેમની સાથે પ્રકાશભાઇ, ઉદયભાઇ, શોભાબેન, રવિભાઇ, વિશાલભાઇ, ભાર્ગવભાઇ, યોગેશભાઇ, ચેતનભાઇ, ભૂપેન્દ્રભાઇ પણ તેમની આ સેવામાં સહકાર આપી રહ્યાં છે. તેમના મોટાભાઇશ્રી યોગેશભાઇ ત્રિવેદીની પ્રેરણા અને માતા-પિતાના આશિર્વાદ સાથે આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે.

તેઓ કહે છે કે, સેવા કરવાં માટે ગણતરી ન હોય. ઉપરવાળાના દરબારમાં જવાબ આપવાં માટે જ્યાં સુધી નારિયેળની કિંમત રૂા. ૩૦ સુધીની સસ્તી ન થાય ત્યાં સુધી આ સેવા યજ્ઞ ચાલુ રાખવાનો તેમનો નિર્ધાર કરેલો છે. ધન્ય છે જયદેવભાઇની સેવાભાવનાને….તેમના નિર્ધારને…..તેમની માનવતાને……

કોરોનાકાળમાં રાજ્ય સરકાર સાથે સરકાર સાથે ડોક્ટર તથા તબીબી આલમ રાતદિવસ અથાક સેવામાં જોડાયેલાં છે. ત્યારે જયદેવભાઇ ત્રિવેદી જેવાં અનેક લોકોની સેવાપરાયણતાને કારણે જ ગુજરાત કોરોના સામેનો જંગ ચોક્કસ જીતી જશે તેવો વિશ્વાસ કાયમ રહ્યો છે

Follow Me:

Related Posts