મોરબી ઘડિયાળના કાંટા ઉપર ચાલતું અને વિકસતું શહેર પણ તેને કોઈ બેદરકારીથી શુળી પર ચડાવી દે તે વાત કદાપી મંજૂર કેમ કરી શકાય…! રવિવારની સાંજે ટીવી પર ડિસ્પ્લે થતાં સમાચારો જોઈને અત્યંત દુઃખી થવાયું. કેબલ બ્રિજની દુર્ઘટનાઓ ખૂબ ઓછી જોવાં મળે છે. છેલ્લે નેપાળમાં જ્યારે જ્યારે કોઈ મોટી નદીઓ ઉપર નજર કરી તો અનેક કેબલ બ્રિજો ત્યાં જોવા મળેલાં.ગંગા સહિતની મોટી નદિઓ પર અનેક બ્રિજ છે પરંતુ આવી મોટી કેબલ બ્રિજ કોલેપ્સની દુર્ઘટના હજુ સુધી સામે આવી નથી…!?
મોરબીમાં 43 વર્ષ પહેલાં ફ્રીજ થઈ ગયેલાં આંસુઓનો સેલાબ ફરીને રવિવારે ઓગળ્યો મણી મંદિરથી સિવિલ હોસ્પિટલ સુધી આક્રંદ રસ્તા ઉપર હતું. ત્યારે સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ.આ લખું છું ત્યારે લગભગ 199 લોકોના મોતની પૃષ્ટિ થઈ ગઈ છે. આપણે ત્યાં આવી ઘટનાઓને પોલિટિકલ માઇલેજ ન મળે તે માટે રીતસર દબાવી દેવામાં આવે છે. કમિટીઓની રચના,તપાસમાં અહેવાલો અને પછી સૌ કોઈના સંદેશાઓ, રાહતો આપીને આ વાતને ડબ્બામાં મૂકી દેવામાં આવે છે. ગુજરાત જેવા અતિ વિકસિત એવા રાજ્યના 200 કરતાં વધારે લોકોના મોત એક સાથે થાય અને તે પણ કોઈ બેદરકારીથી તેને આ રીતે કાઉન્ટર કરવાની ઘટનાને આપણે હળવાશથી કેવી રીતે લઈ શકીએ ?
હું એ મૃતકોને માત્ર આસ્વસ્થ કરવા સિવાય એવું જરૂર કહી શકું કે તંત્રને એ સવાલો પૂછવા જોઈએ કે આપણી પાસે અતિ જોખમી કહી શકાય એવી નાગરિક પ્રવૃત્તિઓ માટે તેની સલામતી નું કેવું તંત્ર આપણી પાસે છે ? તેમાં ઝડપી રેલવે લાઈન તો ખરી જ પરંતુ તે સિવાય સહેલાણીઓ માટે નદીના વિસ્તારોમાં નૌકા વિહાર, પાવાગઢ અને અંબાજીમાં ચાલતી કેબલ કાર વગેરેમા સલામતી માટેની ચકાસણી અને તે માટેનું એક નિશ્ચિત તંત્ર આપણી પાસે નથી જ અથવા તે માટેનું એક અલાયદું કહી શકાય તેવું મંત્રાલય નથી. ડિઝાસ્ટરને નામે આપણે દુર્ઘટનાઓ બન્યા પછી તેને સમુસુતરું કરવાનું તંત્ર ઊભું કર્યું પરંતુ તે ન બને તે માટે ક્યારેક ચિંતા કરી છે ખરી..!?
અજંતા ગ્રુપનું નામ ઘડિયાળ સાથે જોડાયેલું છે પરંતુ એક સદી વટાવી ગયેલો આવો બ્રિજ તેમણે શા માટે હેન્ડઓવર કર્યો.? અને કર્યો હોય તો તેમણે પૂરતી ચકાસણી કર્યા વગર કેવી રીતે ખુલ્લો મુકવામાં આવ્યો?! 400 જેટલા લોકોને અને તેનું નક્કી કરેલું વજન શા માટે આટલી મોટી માત્રામાં બ્રિજ ઉપર સૌને પ્રવેશ આપવામાં આવ્યો ?આવી દુર્ઘટનાઓની કલ્પના કર્યા પછી તે માટેના આનુસંગિક કોઈ પગલાંઓ માટેની વ્યવસ્થા તેમાં કેમ નહોતી ગોઠવાઈ ? આ બધાં જ સવાલો એ આપણી સામે છે.
સરકારી તંત્ર અહીં ટીમો આવે છે બચાવ કામગીરી થાય છે. આવું બધું ચલાવે છે. પરંતુ જે લોકો પાણીમાં પડ્યા અને 12 કલાક સુધી અંદર રહ્યા તેઓ માટે બચાવની તક ક્યાં રહી ? ખેર ,હજુ પણ મારે બહુ ગંભીરતાપૂર્વક કહેવું પડશે કે આપણે આ બધું જલ્દી ભૂલી જઈએ છીએ. બે એક દિવસમાં ફરી ચૂંટણીનું સમરાગંણ શરૂ થશે એટલે આપણા માધ્યમો એ ક્યાં કોણ આવશે અને કોણ જીતશે તેની ચર્ચાઓમાં, રાજસ્થાન, દિલ્હી,પંજાબ, ગુજરાત સરકારની જાહેરાતોના પાનાઓમાં આ સમાચારોની કોલમો ધટતી જશે.. બધું ઓલવેલ થઈ જશે.જેને ત્યાંથી સ્વજન ગયાં ત્યાં પીડા રહેશે…! આપણી સંવેદનાઓને આપણે માનવતા સાથે જોડતાં થઈએ તે જરુરી…!
Recent Comments