માનસિક બીમાર યુવતી પર દુષ્કર્મ આચરી મા બનતા ફરિયાદ

ચોટીલા પંથકની એક માનસિક બીમાર યુવતીએ બે દિવસ પૂર્વે કુંવારી માતા બની હતી, યુવતીએ ચોટીલા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો, યુવતી પર ગામના જ ત્રણ નરાધમ પ્રૌઢે અવારનવાર દુષ્કર્મ આચરતા હતા, પોલીસે ત્રણેય પ્રૌઢને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બે દિવસના નવજાત બાળકને રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, બાળકના નામ પાછળ તેની માતાનું નામ પોલીસ દફતરે લખવામાં આવ્યું હતું, બાળકને હોસ્પિટલે લઇને આવનાર તેની નાનીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, બાળકની માતા ૧૮ વર્ષની છે અને કુંવારી છે, આઠ મહિના પૂર્વે યુવતીને ગામમાં આવેલી સરકારી સ્કૂલના બાથરૂમમાં લઇ જઇ ગામમાં જ રહેતા આંબા, માધા અને કાનાએ અવારનવાર યુવતીને લઇ જઇ તેની સાથે શરીરસંબંધ બાંધતા યુવતી કુંવારી માતા બની હતી.
આ અંગે રાજકોટ પોલીસે જાણ કરતાં ચોટીલા પોલીસ ગામમાં દોડી ગઇ હતી અને ત્રણેય નરાધમોને ઉઠાવી લીધા હતા. યુવતીની બહેને કહ્યું હતું કે, કુંવારી માતા બનનાર યુવતી છ બહેન અને એક ભાઇમાં ચોથો નંબર છે, અને માનસિક બીમાર છે, ત્રણેય આરોપી પૈકી કાનો અને માધો પ્રૌઢ છે તેના ઘરે પ્રૌત્ર છે, મોટી ઉંમરના હોવા છતાં ત્રણેય શખ્સોએ યુવતીની બીમારીનો ગેરલાભ ઉઠાવી તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. માનસિક બીમાર યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ચોટીલા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસે ત્રણેય પ્રૌઢ સામે વિશેષ તપાસ હાથ ધરી હતી.
Recent Comments