fbpx
ગુજરાત

મામેરું લઇને આવેલા સાળાએ બનેવીએ અપશબ્દો બોલવાની ના પાડતાં છરી કાઢી પીઠમાં ઝીંકી દીધી

પોશીનાના છત્રાંગમાં મામેરૂ લઇને આવેલ પિયરિયાંઓ પૈકી કુટુંબી સાળાએ હજુ સુધી જમવાનું કેમ બનાવ્યું નથી કહી અપશબ્દો બોલતાં બનેવીએ અપશબ્દો બોલવાની ના પાડતાં કમરમાંથી છરી કાઢી પીઠમાં ઝીંકી દીધી હતી અને છરી કાઢી ફરાર થઇ ગયો હતો. ગંભીર ઇજાને કારણે લોહી વહી જતાં પોશીના સીએચસીમાં સારવાર અર્થે લઇ જતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. પોશીના પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટ ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મૂળ પોશીનાના બારા ગામના અને હાલ આબુરોડના નીચલા ખેજડા ગામમાં રહેતા વેલાભાઇ સવાભાઇ ઉર્ફે અરજણભાઇ (૬૦) તેમની પત્ની મીરકીબેન તેમની ફોઇના ત્રણેય દીકરાના દસેક દિવસ અગાઉ લગ્ન થઇ ગયેલ હોઇ સમાજના રિતરિવાજ મુજબ તા.૨૩-૦૬-૨૨ ના રોજ મામેરૂ કરવાનું હોઇ ટ્રેક્ટર લઇને છત્રાંગ ગામે ગયા હતા જ્યાં મીરકીબેનના ભાઇઓ સોપાભાઇ નરસાભાઇ ડુંગાસીયા, પ્રભુભાઇ નરસાભાઇ ડુંગાસીયા અને પિયરમાંથી અન્ય વ્યક્તિઓ સાથે આવ્યા હતા. મામેરાની રસમ પૂર્ણ થયા બાદ ફોઇના દીકરાઓએ સમાજના રિતરિવાજ મુજબ જમણવાર માટે આપેલ સીધામાંથી ભોજન બનાવાઇ રહ્યું હતું.

તે દરમિયાન મામેરામાં પિયરિયા સાથે આવેલ કુટુંબી સાળો ભીખાભાઇ ભારમાભાઇ ડુંગાસીયાએ વેલાભાઇને અપશબ્દો બોલી હજુ સુધી જમવાનું કેમ બનાવ્યું નથી તેમ કહેતાં વેલાભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાની સાથે કમરમાંથી છરી કાઢી વેલાભાઇની પીઠમાં ઝીંકી દીધી હતી અને છરી કાઢીને ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેલાભાઇને સારવાર અર્થે ખસેડાતાં પોશીના સીએચસીમાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના મોટાભાઇ ગોવાભાઇ સવાભાઇ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસે ભીખાભાઇ ભારમાભાઇ ડુંગાસીયા વિરુદ્વ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોશીના પીએસઆઈ આર.જે.ચૌહાણના જણાવ્યાનુસાર છત્રાંગ ગામે થયેલ મર્ડર બાબતે આરોપી રાજસ્થાન સીયાવા ગામનો હોવાથી હાલ રાજસ્થાન પોલીસને જાણ કરી આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે.

Follow Me:

Related Posts