બોલિવૂડ

મારા પિતાની હાલત પણ સુશાંતસિંહ જેવી થશે : ફૈઝલ

વિવાદાસ્પદ એક્ટર કમાલ આર. ખાનની જેલમુક્તિ બાદ તેમના દીકરા ફૈઝલે પિતાના પ્રોફાઈલમાંથી ટિ્‌વટ કરી છે. પિતાની હાલત સુશાંત સિંહ રાજપૂત જેવી થવાની આશંકા વ્યક્ત કરીને ફૈઝલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખને મદદ કરવા કહ્યું છે. ઈરફાન ખાન અને ઋષિ કપૂર અંગે કોન્ટ્રોવર્સીઅલ ટિ્‌વટ મામલે એક્ટર અને ક્રિટિક કમાલ આર ખાનની ૨૯ ઓગસ્ટે ધરપકડ થઈ હતી. ત્રીજી સપ્ટેમ્બરે ફિટનેસ ટ્રેનરની છેડતીના મામલે કમાલ ખાનની ધરપકડ થઈ હતી.

ધરપકડના નવ દિવસ બાદ તેમને થાણે જેલમાંથી મુક્તિ મળી હતી. કમાલ ખાનના જેલમાંથી બહાર આવ્યા બાદ તેમના દીકરા ફૈઝલે પિતાના એકાઉન્ટમાંથી ટિ્‌વટ કરી હતી. ફૈઝલે ટિ્‌વટમાં કહ્યું હતું કે, મુંબઈમાં કેટલાક લોકો તેના પિતાને મારી નાખવા માગે છે. હું હાલ લંડનમાં છું અને માત્ર ૨૩ વર્ષનો છું. પિતાને કઈ રીતે મદદ કરવી તેની ખબર પડતી નથી. તેથી અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ અને દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરું છું કે, તેઓ મારા પિતાનું જીવન બચાવે. હું અને મારી બહેન પિતા વગર જીવી શકીશું નહીં. બીજી ટિ્‌વટમાં ફૈઝલે પબ્લિક સપોર્ટની માગણી કરી હતી અને તેમની હાલત પણ સુશાંત સિંહ જેવી ન થાય તે માટે સાથે રહેવા કહ્યુ હતું.

Related Posts