fbpx
ગુજરાત

માળીયાના ખાખરેચી ગામ નજીક ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું

મોરબીમાં એલસીબી પોલીસની ટીમે માળીયા તાલુકાના ખાખરેચી ગામ નજીક ટ્રકમાં વાંસના બાંબુની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે અને ટ્રક તથા દારૂના જથ્થા સહિત રૂ.૩૩.૬૬ લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી એક ટ્રક માળીયા તાલુકામાં આવી રહી છે અને તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જેથી પોલીસ ટીમ હળવદ માળીયા હાઇવે રોડ ખાખરેચી ગામની સીમ અણીયારી ટોલનાકા પાસે પહોંચી વોચ ગોઠવી હતી. એ દરમિયાન રાજસ્થાનનો રહેવાસી આરોપી ડ્રાઇવર સોનારામ દુદારામ કડવાસરા ટ્રક લઈ આવતાં પોલીસે તેને અટકાવ્યો હતો અને ટ્રકની તલાશી લીધી હતી. જેમાં વાસના બાંબુ ભરેલા હોવાનું આરોપી ડ્રાઇવરે કહ્યું હતું. પોલીસે તેની પાસેથી ટ્રકના કાગળિયા માંગતા આરોપીએ ખોટી બીલ્ટી, ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી રજુ કર્યા હતાં. પરંતુ પોલીસે ટ્રકની સઘન તપાસ કરતાં ટ્રકમાં વાસના બાંબુ ભરી ઠાઠામાં ચોરખાનું મળી આવ્યું હતું.

જેમાં અલગ-અલગ બ્રાન્ડના વિદેશીદારૂ તથા બીયરનો જથ્થો મળી આવ્યો હતો. અને દારૂની હેરાફેરીનું કૌભાંડ સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ભરાવનાર રાજસ્થાનના રહેવાસી શ્રવણરામ મઘારામ અને માલ મોકલનાર ટ્રક માલીક અરવિંદ જાટનું નામ પણ સામે આવ્યું હતું. પોલીસે દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો ૫૦૫૨ જેની કિંમત રૂપિયા ૧૮.૫૮ લાખ તથા બીયરના ૫૦૦મીલીના ટીન નંગ- ૨૮૮૦ કિંમત રૂ. ૨.૮૮ લાખ મળી દારૂ/બિયરની કુલ કિંમત રૂ. ૨૧.૪૬ લાખનો જથ્થો વેંચાણ અર્થે લાવી, મોબાઇલ નંગ-૧ કિંમત રૂપિયા ૫૦૦૦ અને રોકડા રૂપિયા ૧૪,૬૪૦ તથા ટ્રક કિંમત રૂ. ૧૨ લાખ કુલ રૂપિયા ૩૩.૬૬ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ માળીયા પોલીસ મથક ખાતે ગુનોં દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Follow Me:

Related Posts