મિશન બ્રોડગેજ અમરેલી અભિયાન અંતર્ગત અમરેલીના રાજકમલ ચોક ખાતે આજરોજ ગાંધી જયંતિના દિવસે અમરેલીને બ્રોડગેજ લાઈન મળે તે હેતુથી લોકમતના મિજાજનો તંત્રને પરિચય થાય તે માટે હિતેચ્છુઓ દ્વારા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો.
ભારતીય લોકતંત્રમાં ખરેખર મનોમંથન કરવા જેવી ઘટના હોય તો અમરેલી ખાતે આજરોજ ગાંધી જયંતિ દિવસે અમરેલી શહેર અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હજુ બ્રોડગેજ રેલવે લાઇન ન હોય અને રેલવે દ્વારા વહેલામાં વહેલી તકે બ્રોડગેજ સુવિધા ઉપલબ્ધ થાય તે સંદર્ભે તંત્રને ઢંઢોળીને લોકમતનો અવાજ તંત્ર સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે અમરેલી શહેરમાં આવેલ જીવરાજ મહેતા ચોક (રાજકમલ ચોક) ખાતે અમરેલી જિલ્લાનો વિકાસ ઝંખતાં અને અમરેલીને બ્રોડગેજ રેલવે લાઇન વહેલી તકે મળે તેવું ઇચ્છતાં નાગરિકો દ્વારા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો.
આમ પણ ગાંધીજીના જીવનમાં ટ્રેનનું ખૂબ નોંધનીય યોગદાન છે. આમ જોવા જઈએ તો ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનો ઇતિહાસ પણ ખૂબ રોચક છે. મહાત્મા ગાંધીજીના આફ્રિકા સમયના એ ટ્રેનનો પ્રસંગ જ ગાંધીજીના જીવનમાં ભારતની આઝાદી માટેના બીજારોપણનું કારણ બધી ગયું હતું એમ માનવામાં આવે છે. અને તેમની સાદગી, અહિંસા, સત્યાગ્રહના માધ્યમથી અંગ્રેજોને પણ સમગ્ર ભારત દેશમાંથી હાંકી કાઢવા માટે નિમિત્ત બન્યા હતા.
આમ એક હાડમાંસ વાળા સુકલકડી માનવે ભારતમાં અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યા હતા એ ઇતિહાસ પણ આપણને સૌને પ્રેરણા આપતો જોવા મળે છે. લોકતંત્રમાં લોકતાંત્રિક ઢબે વ્યક્તિએ કે જનસમૂહ દ્વારા પોતાના અધિકારો માટે લડત આપવી એ વાત ગાંધીજીના જીવન પ્રસંગોમાંથી આપણે પણ સુપેરે શીખ્યા છીએ. અમરેલી શહેરને અને જિલ્લાને બ્રોડગેજનો લાભ મળે એ ઇચ્છનીય પણ છે અને લોકમાંગ પણ છે. આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ અમરેલી બ્રોડગેજ સુવિધા વિહોણું રહે તે નબળી નેતાગીરી સમજવી કે અમરેલીના લોકોની કમનસીબી? એ પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.
Recent Comments