‘મી ટુ’ સામે અવાજ ઊઠાવ્યા બાદ મારી હત્યાના અનેક પ્રયાસ થયાઃ તનુશ્રી દત્તા
બોલિવૂડના અંધારા ખૂણામાં ચાલતા અત્યાચાર અને શોષણ સામે અવાજ ઊઠાવનારા બહાદુર સ્ટાર્સમાં તનુશ્રી દત્તાનો સમાવેશ થાય છે. ખાસ કરીને મી ટૂ મૂવમેન્ટ દરમિયાન તનુશ્રીએ ખુલીને પોતાના પર થયેલા જાતિય અત્યાચારનો વિરોધ કર્યો હતો. મી ટુ સામે બોલવા બદલ બોલિવૂડ માફિયા પાછળ પડી ગયા હોવાનો દાવો અગાઉ તનુશ્રીએ કર્યો હતો. તેણે વધુ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, મી ટુ સામે અવાજ ઊઠાવ્યા બાદ તેની હત્યાના પ્રયાસ અનેક વખત થયા છે. ઉલ્લેખનીય છે કે, તનુશ્રીએ સાંકેતિક પોસ્ટ રીસેન્ટલી શેર કરી હતી. જેમાં તેણે બોલિવૂડ માફિયા દ્વારા હેરાનગતિ થતી હોવાનું કહ્યું હતું. નાના પાટેકર, તેમના લૉયર અને બોલિવૂડ માફિયા મિત્રો પર તનુશ્રીએ આરોપ લગાવ્યા હતા.
રીસેન્ટ ઈન્ટરવ્યૂમાં તનુશ્રી દત્તાએ જણાવ્યું હતું કે, જાતિય સતામણી સામે અવાજ ઊઠાવ્યા બાદ તેની હત્યા માટે કારની બ્રેક ફેલ કરી દેવાઈ હતી. થોડા સમય અગાઉ એક અકસ્માતમાં ઘણું બધું લોહી વહી ગયું હતું અને રીકવર થવામાં મહિનાઓ લાગ્યા હતા તેવો દાવો પણ તનુશ્રીએ કર્યો હતો. ઝેર આપીને કોઈ મારી નાખવા માગતું હોવાનું તનુશ્રીને લાગે છે. આ અંગે તનુશ્રીએ જણાવ્યું હતું કે, તેના ઘરમાં એક નોકરાણી મૂકવામાં આવી હતી અને તેના આગમન બાદ તબિયત ખરાબ રહેતી હતી. તે નોકરાણી પાણી સાથે કશુંક મિલાવતી હોવાની આશંકા છે. ૨૦૧૮ના વર્ષમાં મી ટુ મૂવમેન્ટે બોલિવૂડમાં ખળભળાટ મચાવ્યો હતો. તે સમયે તનુશ્રી દત્તાએ નાના પાટેકર, ગણેશ આચાર્ય અને ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર આરોપ લગાવ્યો હતો. હોર્ન ઓકે પ્લીઝના સેટ પર આ ત્રણેય જણાં ખરાબ રીતે વર્તન કરતા હોવાનો દાવો તનુશ્રીએ કર્યો હતો.
Recent Comments