વાઘોડીયા ચોકડી પાસે એક શખ્સ સોનાના દાગીના વેચવા ફરી રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં શખ્સે સોના- ચાંદીના દાગીના મુંબઇ ખાતેથી ચોરી કર્યા હોવાનું જણાવતાં પોલીસે તેની મુદ્દામાલ સાથે અટકાયત કરી મુંબઇ પોલીસને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇને બાતમી મળી કે, વાઘોડિયા ચોકડી પાસે એક શખ્સ સોના-ચાંદીના દાગીના વેચવા ફરી રહ્યો છે. જેના આધારે પોલીસ કાફલાએ વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સની ઝડતી લેવાતાં તેની પાસેથી બુટ્ટી સાથેનો સોનાનો સેટ, સોનાના બે મંગળસૂત્ર, સોનાની ૩ વીંટી અને ચાંદીના સાંકળા મળી કુલ રૂા.૧,૫૫,૮૯૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દાગીનાના બિલની માગણી કરતાં તેની પાસેથી બિલ મળ્યું ન હતું. તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવતાં આ શખ્સે તેનું નામ હર્ષદ રાજેશ ઠાકુર (રહે.માલવણી, મુંબઇ) હોવાનું જણાવ્યું હતું.
દાગીના બાબતે પૂછવામાં આવતા તેણે તા.૨૮મીના રોજ તેણે માલવણ વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી ચોરી કર્યાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી કુલ રૂા.૧,૫૫,૮૯૦ની કિંમતના દાગીના કબજે કરી બનાવની જાણ મુંબઇ પોલીસને કરી હતી એટલે મુંબઇ પોલીસ આરોપીનો કબજે લેવા માટે વડોદરા ખાતે આવશે. વડોદરામાં ચોરીના દાગીના વેચવા ફરી રહેલા મુંબઇના ભેજાબાજ હર્ષદ ઠાકુરની ઘનિષ્ઠ પૂછપરછ કરાતાં તે રીઢો તસ્કર હોવાની વિગતો સપાટી પર આવી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, મુંબઇ ખાતે તેની સામે અગાઉ ચોરીના ચાર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે કબજે કરેલા દાગીના બાબતે તેણે મુંબઇમાં ચોરી કરી હોવાનું જણાવતાં પોલીસે મુંબઇ પોલીસનો સંપર્ક કરતાં મુંબઇ પોલીસે માલવણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું ખૂલવા પામ્યું હતું.



















Recent Comments