અમરેલી

મુખ્યમંત્રીએ અરવિંદભાઈને પૂછ્યું ધંધા પાણી કેમ ચાલે છે?

મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગ લાભાર્થી અરવિંદભાઈને ટ્રાઇસિકલનું વિતરણ થયું

“મુખ્યમંત્રી સાહેબે તો જતા વેંત જ મને પૂછ્યું કે કેમ છો? ધંધા પાણી કેમ ચાલે છે? આવું સાંભળતા જ એવું લાગ્યું કે જાણે મારા કોઈ મારા સગાસબંધી મારી સાથે વાતો કરતા હોય” આ શબ્દો છે દિવ્યાંગ લાભાર્થી અરવિંદભાઈ વિરાણીના. મુખ્યમંત્રીશ્રીની એકાદ મિનિટની વાતચીત અંગે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે સાહેબે મારી અને મારા પરિવારની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી મને શુભેચ્છાઓ પાઠવી હતી.

અરવિંદભાઈએ ઉમેર્યુ હતું કે, સરકાર દ્વારા દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓ હેઠળ લાભો અને સહાયની રકમ આપવામાં આવે છે. આ રકમ અમારા માટે ખૂબ મોટી અને મહત્વની છે. આજે અમને ટ્રાઇસિકલ મળી છે અને આ સિવાય એસ.ટીની મફત બસ પાસની સુવિધા પણ મળે છે. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તરફથી મળતી સહાય અને રકમમાંથી અને અન્ય છૂટક કામો કરીને જીવન નિર્વાહ કરીએ છીએ. આ ટ્રાઇસિકલની મદદથી અમારા વ્યાવસાયિક સ્થળ પર જવા માટે તેમજ રોજિંદા કાર્યો માટે સુવિધા થઈ છે ત્યારે આ યોજનાના ખૂબ જ ટુંકા સમયમાં મળેલા લાભ અને રાજ્ય સરકારની અમારા માટેની ભાવના માટે ખૂબ ખૂબ આભાર વ્યકત કરું છું.

અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં અમરેલી જિલ્લાના ગરીબોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ કલ્યાણ મેળાએ વર્ષોથી અનેક પરિવારોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યું છે.

Related Posts