રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ જે રજૂઆતો કરવામાં આવી હતી તે સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે અંદાજે ૯ લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના બાકી રહેલા તમામ ભથ્થાઓ તાત્કાલીક અસરથી લાગુ કરવામાં આવશે.
પ્રવકતા મંત્રી કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નો સકારાત્મક નિરાકરણ સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગ્રામ વિકાસ રાજય મંત્રી બ્રિજેશભાઈ મેરજા,ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી,ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ ભાઈ પંચાલની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજીને સુખદ સમાધાન આજે આવ્યું છે જેના પરિણામે આ મહત્વના નિર્ણયો લેવાયા છે. પ્રવકતા મંત્રીએ આ અંગે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, ૭માં પગાર પંચના બાકી ભથ્થા તાત્કાલિક અસરથી લાગુ કરવા આવશે આ તમામ લાભો કેન્દ્રના ધોરણે આપવામાં આવશે.
કેન્દ્રના ધોરણે તા.૧/૪/૨૦૦૫ પહેલા ભરતી થયેલા કર્મચારીઓને જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. ઉપરાંત સી.પી.એફમાં ૧૦ ટકાને બદલે ૧૪ ટકા સરકાર દ્વારા ઉમેરવામાં અંગે પણ અતિ મહત્વપૂર્ણ કર્મચારીહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૦૯ના કેન્દ્ર સરકારના ઠરાવ મુજબ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કેન્દ્રના ધોરણે કુટુંબ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. રહેમરાહે નિમણૂક પામેલા તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવામાં આવશે. શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦, ૨૦, ૩૦નું ઉચ્ચતર પગાર ધોરણ આપવા ઠરાવ કરવામાં આવશે.
Recent Comments