ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સચિવાલય ,ગાંધીનગર ખાતે એક દિવસીય સ્પેશિયલ પ્લાન્ટેશન ‘એક પેડ માં કે નામ’ ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે

સામાન્ય વહીવટી વિભાગની યાદીમાં જણાવાયું છે કે, ગત તા.૫મી જૂન ૨૦૨૪ના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી સંદર્ભે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા માતા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનના પ્રતિક સ્વરૂપે શરૂ કરવામાં આવેલ “એક પેડ માં કે નામ” અભિયાનને વધુ વેગ આપવાના ઉમદા હેતુથી તેમજ વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ નિમિત્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ સમગ્ર દેશમાં એક દિવસીય સ્પેશિયલ પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન ક૨વા આવશે.આ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી સહિત મંત્રીશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સચિવાલય સંકુલ,ગાંધીનગર ખાતે સવારે ૯ઃ૪૫ કલાકે રાજ્યકક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની પર્યાવરણ જતનની એક ઉમદા અને અનોખી પહેલ સ્વરૂપે સચિવાલયના તમામ અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓની સાથે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સચિવાલય ગેટ નં -૪થી પ્રવેશતા ડાબી બાજુએ અને પાર્કિંગના પાછળના ભાગે વૃક્ષારોપણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,સચિવાલય પોઇન્ટ બસ સેવા મારફતે અમદાવાદથી આવતા અધિકારીઓ- કર્મચારીઓ સમયસર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે તે માટે, આવતીકાલ પુરતી વહેલી બસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમ,સામાન્ય વહીવટી વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Related Posts