મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીના દુધાળાથી ‘નેત્રયજ્ઞ’ રથને પ્રસ્થાન કરાવ્યું
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા સ્થિત હેતની હવેલીથી ‘નેત્રયજ્ઞ’ રથને પ્રસ્થાન કરાવ્યુ હતુ.
અમરેલી જિલ્લાના લાઠી અને લીલીયાના ૭૫ ગામોમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત એક મહિના સુધી ‘નેત્ર ચિકિત્સા’ થશે. જેમાં નેત્ર ચિકિત્સાને સંબંધિત કાર્યો કરવામાં આવશે. લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટના માધ્યમથી ધોળકીયા ફાઉન્ડેશન અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના સંયુક્ત ઉપક્રમે ‘નેત્રયજ્ઞ’ રથને મુખ્યમંત્રીશ્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ. લાઠી અને લીલીયા તાલુકા વિસ્તારના ૭૫ ગામડાંઓને આ ‘નેત્રયજ્ઞ’ રથ દ્વારા નેત્ર ચિકિત્સા સહિત જરુરી તમામ લાભો મળી રહશે.
મહત્વનું છે કે, જે વ્યક્તિઓને આંખના ટીપાંની આવશ્યકતા હશે તેમને આંખના ટીપાં આપવામાં આવશે. ચશ્માની આવશ્યકતા હશે તેમને ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે. જ્યારે આંખના ઓપરેશનની આવશ્યકતા હોય તો તે તજજ્ઞશ્રીના સૂચન મુજબ જે-તે વ્યક્તિને અમદાવાદ અને સુરતમાં નિ:શુલ્ક ઓપરેશનનો લાભ પણ પ્રાપ્ત થશે. નેત્રયજ્ઞ રથના માધ્યમથી આંખની કાળી કીકી ગુમાવી ચૂકેલા અથવા આંખની કાળી કીકી ગુમાવવના લીધે અંધત્વ આવ્યું હોય એવા ૭૫ નાગરિકોને કાળી કીકીનું ઓપરેશન નિ:શુલ્ક કરી અને તેમને દ્રષ્ટિ પ્રદાન કરાવવાનું ભગીરથ કાર્ય પણ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં કુલ ૧૭ નાગરિકોની આ કાર્ય માટે નોંધણી થઈ છે. સેવાના આ ભગીરથ કાર્યને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિરદાવ્યું હતું.
કાર્યક્રમમાં ધોળકીયા ફાઉન્ડેશનના શ્રી સવજીભાઈ ધોળકિયા, લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, સુરતના દાતાશ્રીઓ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને લાઠી તાલુકાના પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments