મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બાળ સેવા સહાય યોજનાનું ઓનલાઇન લોન્ચિંગ કરાયું
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારીમાં માબાપનો આશરો ગુમાવનાર રાજ્યના ૭૭૬ બાળકોને પ્રતિમાસ રૂ. ૪૦૦૦ ની આર્થિક સહાય આપવાની બાળ સેવા યોજનાનો ઓનલાઈન શુભારંભ કરાવ્યો હતો. બાળ સેવા સહાય યોજનાના લોન્ચિંગ કાર્યક્રમની રાજ્યવ્યાપી શૃંખલા અન્વયે અમરેલી ખાતે પણ આ કાર્યક્રમ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો.
કોરોનાની બીજી લહેરમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકોના લાભાર્થે રાજ્ય સરકારે આ યોજના જાહેર કરી છે જે અન્વયે માતા-પિતાનું છત્ર ગુમાવનાર બાળકના ખાતામાં દર મહિને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦૦૦ જમા કરવામાં આવશે. રાજ્ય સરકારે આદરેલુ આ પુણ્યનું કામ વધુને વધુ લોકો સુધી પહોંચે અને પાત્રતા ધરાવનાર નાગરિકો આ યોજનાનો લાભ મેળવે તે જરૂરી છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ૧૯ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ચાલુ માસની માસિક સહાય રૂ. ૪૦૦૦/- લેખે કુલ રૂ. ૭૬,૦૦૦/-ની ચુકવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, ચાઇલ્ડ વેલ્ફેર કમીટી ના ચેરમેનશ્રી તથા સભ્યશ્રીઓ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના સભ્યશ્રી, સમાજ સુરક્ષા અધિકારી શ્રી વસીમ સૈયદ તેમજ બાળ સુરક્ષા અધિકારીશ્રી તથા કચેરીનો સર્વે સ્ટાફ અને સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ, લાભાર્થી બાળકોના પાલક માતા-પિતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments