મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ રાજ્યમાં ચાલુ વર્ષે ૯૬૫ વિદ્યાર્થીઓને રૂ. ૧૦૬૬.૪૬ લાખ શિષ્યવૃત્તિ પેટે ચુકવાયા : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા
વિધાનસભા ગૃહમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ રાજ્યમાં ચાલુ નાણાંકીય વર્ષે ડિસેમ્બર-૨૦૨૨ના અંત સુધીમાં ૯૬૫ વિદ્યાર્થીઓને રૂ. ૧૦૬૬.૪૬ લાખ શિષ્યવૃત્તિ પેટે ચુકવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેવાડાનો કોઈ વિદ્યાર્થી નબળી આર્થિક સ્થિતિના કારણે શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના શરૂ થઈ ત્યારથી કેટલા વિદ્યાર્થીઓને લાભ અપાયો અને તે માટે કુલ કેટલી રકમ ચૂકવાઈ તેવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪-૧૫થી અત્યાર સુધીમાં ૯,૯૦૦ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૬૩.૪૮ કરોડ શિષ્યવૃત્તિ સહાય પેટે રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવ્યાં છે.
શિષ્યવૃત્તિની રકમ સરકાર વધારવા માંગે છે કે કેમ તેના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ વગેરે જેવી વિવિધ યોજનાઓમાંથી પણ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત વિવિધ વંચિત વિદ્યાર્થીઓ, લશ્કરી દળના તથા પોલીસ દળના શહીદ જવાનોના સંતાનોને, ૪૦ ટકા દિવ્યાંકા ધરાવતાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત અન્ય યોજનાઓમાંથી પણ લાભ અપાય છે.
મંત્રીએ ગૃહમાં વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ડિપ્લોમા ટુ ડિગ્રી માટે ૬૫ ટકા માર્ક્સ ધરાવતાં, ધોરણ ૧૦ કે ૧૨માં ૮૦ ટકાથી વધુ પર્સેન્ટાઈલ ધરાવતાં વિદ્યાર્થીઓ કે જેઓના કુટુંબની કુલ આવક રૂ. ૬ લાખની મર્યાદામાં રહીને લાભ આપવામાં આવે છે.
વિધાનસભા ગૃહમાં તમામ ધારાસભ્યો વતી અધ્યક્ષશ્રી અને શિક્ષણમંત્રીએ રાજ્યના ૧૬.૫૦ લાખ બોર્ડની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
Recent Comments