અમરેલી જિલ્લાના હડાળા ગામ ખાતે કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા FPO ક્ષમતા નિર્માણ અને બાયો ઈનપુટ સેન્ટર ઉદ્ઘાટન કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમમા ત્રણસો જેટલા ખેડૂતોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં હડાળા ખાતે બાયો ઈનપુટ સેન્ટરનું લોકાર્પણ થયું હતું.
પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ ટીંબડીયા તેમજ ભીખુભાઈ બોરડ દ્વારા પોતાના ફાર્મ પરના પ્રાકૃતિક ખેતીનાં અનુભવો, કચ્છ પ્રેરણા પ્રવાસ અંતર્ગત મુલાકાત કરેલ જીવામૃત પ્લાન્ટ અંગે સૌને માહિતગાર કર્યા તેમ જ હડાળા ખાતે તૈયાર થયેલ પ્લાન્ટમાં પોતાના પ્રેરણા પ્રવાસ દરમિયાન મળેલ માહિતીથી મદદરૂપ બન્યા હતા.
ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્યશ્રીનાં પ્રતિનિધિ શ્રીમતી કોકિલાબેન દ્વારા બાયો ઈનપુટ સેન્ટર વિષય પર માહિતી આપી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડૉ. રશ્મિકાંત દ્વારા FPO શું છે ? તેમજ તેના ક્ષમતા નિર્માણ વિષય પર માહિતી આપવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી મહેશ જીડ દ્વારા કાર્યક્રમ આત્મા પ્રોજેક્ટ દ્વારા અપાતી સહાય તેમજ નાણાકીય સહયોગની વાત કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી હતી.
સંસ્થાના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડીયા દ્વારા આગામી ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતી કેટલી મહત્વપૂર્ણ બની રહેશે તેમજ બાયો ઈનપુટ કેટલો મહત્વનો ભાગ છે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ તેમ જ બાયો ઈનપુટ પ્લાન્ટ અમરેલી જિલ્લાના ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થશે તેમ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્યશ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખે કર્યુ હતું, હડાળા ગામના સરપંચશ્રી પુનાભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટીંબડીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી મહેશ જીડ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. રશ્મિકાંત ગુર્જર તેમજ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્યશ્રી ડૉ. સ્વપ્નિલ દેશમુખે હાજરી આપી હતી તેમ આચાર્યશ્રી, કોલેજ ઓફ નેચરલ ફાર્મિગ અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments