રાષ્ટ્રીય

મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં આપ્યો આ જવાબ, ‘શું મહિલાઓ મસ્જિદમાં નમાઝ પઢી શકે?..’

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, મહિલાઓ મસ્જિદમાં જમાત સાથે નમાઝ અદા કરી શકે છે. ઈસ્લામમાં મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવા પર કોઈ પ્રતિબંધ નથી. બીજી અરજીમાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એફિડેવિટ દાખલ કરી છે. જણાવી દઈએ કે, મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓની નમાઝ પઢવાને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

આ અરજીમાં મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ માટે સૂચના આપવાની માંગ કરવામાં આવી હતી. ઇસ્લામિક સંદર્ભ આપતા બોર્ડે કહ્યું કે, મક્કામાં પવિત્ર કાબાની આસપાસની તમામ મસ્જિદોમાં પુરુષો અને સ્ત્રીઓને સાથે મળીને નમાઝ અદા કરવાની મંજૂરી નથી. મહિલાઓ અને પુરુષો એકસાથે નમાઝ પઢવા પર પ્રતિબંધ છે. પરંતુ આનો મતલબ એ નથી કે, મહિલાઓ મસ્જિદમાં નમાઝ પઢી શકતી નથી. મુસ્લિમ મહિલાઓ મસ્જિદમાં પ્રવેશ કરી શકે છે અને તેઓ નમાઝ પણ અદા કરી શકે છે. તેમાં મૂંઝવણમાં આવવા જેવું કંઈ નથી. મુસ્લિમ મહિલાઓ એ મસ્જિદોમાં નમાઝ અદા કરી શકે છે, જ્યાં તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપલબ્ધ સુવિધા પર આધાર રાખે છે.

મુસ્લિમ મહિલાઓએ કહ્યું છે કે, બોર્ડ દ્વારા આપવામાં આવેલ એફિડેવિટ વાજબી છે, તેઓ આ ર્નિણયને આવકારે છે. તેમણે કહ્યું કે, આ તે કટ્ટરવાદીઓનો જવાબ છે, જેઓ લાંબા સમયથી તેનો વિરોધ કરી રહ્યા છે. કેટલીક મુસ્લિમ મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે, તેમને પણ મસ્જિદમાં નમાઝ પઢવાની છૂટ આપવામાં આવે. આ મામલાની સુનાવણી દરમિયાન મુસ્લિમ પર્સનલ લો બોર્ડે એફિડેવિટ દાખલ કરી છે.

Related Posts