મૂલ્યશિક્ષણ સાથે આત્મનિર્ભરતા તરફ દોરી જતી યુનિવર્સિટી એટલે લોકભારતી યુનિવર્સિટી
આજના સમયમાં સરકાર અને સમાજ સામે જો કોઇ મોટો પ્રશ્ન હોય તો તે શિક્ષણ મેળવેલાં યુવાઓને રોજગારી આપવાનો છે. આજે શિક્ષણના ઘણાં બધાં નવાં અભ્યાસક્રમો અને ઉચ્ચ શૈક્ષણિક પદવીઓ મેળવ્યાં બાદ પણ યુવાનોને પગભર થવા કે નોકરી મેળવવાં માટે અહીંથી તહીં ભટકવું પડે છે. તેનું કારણ એ છે કે, રોજગારદાતાને જોઇએ તેવી લાયકાતનું શિક્ષણ યુવાઓએ મેળવ્યું હોતું નથી. તેથી તેમની પસંદગી થતી નથી.
પરંતુ ગુજરાતમાં એવી પણ સંસ્થા કાર્યરત છે કે જેમાંથી આજ સુધી પાસ થયેલાં ૭૦ હજાર વિદ્યાર્થીઓમાંથી એકપણ વિદ્યાર્થી આજે બેકાર નથી. આ સંસ્થા જેનું નામ લોકભારતી સંસ્થા છે. જેને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
એક સમયના શિક્ષણ ક્ષેત્રના દિગ્ગજો એવાં ઋષિતુલ્ય શિક્ષકજીવો શ્રી નાનાભાઈ ભટ્ટ, શ્રી મનુભાઈ પંચોલી, શ્રી મુળશંકર મો. ભટ્ટ અને શ્રી નટવરલાલ પ્ર. બુચ દ્વારા સિંચાયેલી અને પોષાયેલી આ સંસ્થા છે.
આ સંસ્થા ભાવનગરના સણોસરા ખાતે આવેલી છે. આ આઝાદીના સમયગાળામાં યુવાનોમાં મૂલ્યવાન અને ગ્રામ્ય પ્રશિક્ષણ આપવાં માટે સ્થાપવામાં આવી હતી. પરંતુ સમયના બદલાતાં વહેણની સાથે તેણે બદલાવો કરીને વર્તમાન સ્પર્ધામાં ટકી રહે તેવાં અભ્યાસક્રમોને નિરંતર સામેલ કરીને તેના છેલ્લાં ૭૦ વર્ષના ઇતિહાસમાં અભ્યાસ કરી ગયેલાં ૩૦ હજાર વિદ્યાર્થીઓમાંથી આજે એકપણ વિદ્યાર્થી બેકાર નથી તે તેની કુશળતા, સમયને પારખવાની આવડત અને વિદ્યાર્થીલક્ષી અભિગમને સૂચવે છે.
આ સંસ્થા મૂલ્યશિક્ષણ તો આપે જ છે. સાથે-સાથે આત્મનિર્ભરતા તરફ પણ દોરી જાય છે. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આત્મનિર્ભર ભારતની જે વાત કરે છે. તે વાત આ સંસ્થાએ વર્ષોથી અપનાવેલી છે. જેથી અહીથી પાસ થયેલો વિદ્યાર્થી બિચારો બાપડો નહીં પરંતુ પોતાના પગ પર ઉભો રહી શકે તેવાં આત્મનિર્ભરતાના પાઠ આ સંસ્થામાંથી શીખીને જાય છે. અને એટલે જ તેનો કોઇપણ વિદ્યાર્થી આજે કામ વગરનો નથી.
રાજકોટથી ભાવનગર જતાં રંઘોળા પાછી સણોસરા ગામે ૧૬૫ એકરમાં પથરાયેલાં રળિયામણાં પરિસરમાં આંટો મારો તો અહીં જ રહી જવાનું મન થાય તેવું મનોમોહક ગ્રામ્યજીવનનો અને શુધ્ધ વાતાવરણ તમે અહેસાસ કરી શકો તેવું રમ્ય વાતાવરણ અનુભવવાં મળે.
લીલાછમ્મ હરિયાળા પરિસરમાં ગ્રામ પરિવેશની સંગાથે વિદ્યાર્થીઓ હૃદયની ટાઢક લઈને સમાજમાં જીવન પંથે આગળ ડગલાં માંડે છે.
ભારત કૃષિપ્રધાન દેશ છે. ત્યારે ‘લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન’ વિશ્વની પ્રથમ એવી યુનિવર્સિટી છે જે ટેક્નોલોજી દ્વારા ગ્રામ-વિકાસને લગતાં અભ્યાસક્રમોનો અભ્યાસ કરાવે છે. છેલ્લાં ૭૦ વર્ષથી ગામડાં માટે કામ કરતી લોકભારતી સણોસરાને ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૨થી ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેનાથી હવે ધોરણ-૧૨ પાસ કોઈપણ વિદ્યાર્થીને સંસ્કાર સાથે કૃષિ ગોપાલન, ગ્રામ વિદ્યા અને આર્ટ્સ વિદ્યાશાખામાં ભણવાની ઉત્તમ તક મેળવી શકે છે.
વિજ્ઞાને સાબિત કર્યું છે કે, કોઈપણ માણસ કામ કરતાં કરતાં જ શીખે છે. તેને ધ્યાનમાં રાખીને લોકભારતીમાં વધુને વધુ પ્રેક્ટીકલ પદ્ધતિ પર ભાર મૂકવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, અહીં ૨૦ ટકા થિયરી, ૩૦ ટકા મલ્ટીમીડિયા અને ૫૦% પ્રાયોગિક મોડલને આધારે શિક્ષણ આપવામાં આવે છે.
વધુ પ્રેક્ટીકલ અને મૂલ્યશિક્ષણ માટે વિદ્યાર્થીઓનું છાત્રાલયમાં રહેવું અહીંયા અનિવાર્ય બને છે. જેથી વિદ્યાર્થી વધુમાં વધુ સમય શિક્ષણ મેળવી શકે. પ્રકૃતિના ખોળે ૧૬૫ એકરમાં ફેલાયેલાં વિશાળ કેમ્પસમાં સાદગી, સંસ્કાર મેળવીને હજારો વિદ્યાર્થીઓ જીવન શિક્ષણનો આનંદ મેળવી રહ્યાં છે.
આ યુનિવર્સિટીમાં તમે B.R. S. (બેચલર ખોફ રૂરલ સ્ટડીઝ) એગ્રોનોમી અને પશુપાલન, B.voc. (બેચલર ઓફ વોકેશન), પ્રાકૃતિક કૃષિ અને એગ્રો-પ્રોસેસિંગ, B.A. (બેચલર ઓફ આર્ટસ) ઇંગ્લિશ અને સાયકોલોજી, P.G. Diploma in CSR & NGO મેનેજમેન્ટનો અભ્યાસ કરી શકો છો.
છેલ્લાં ૭૦ વર્ષમાં ૩૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ લોકભારતીમાં ભણીને ગયાં છે. જેમાંથી એકપણ આજે બેકાર નથી એ દર્શાવે છે કે, અહીંયા અમને નક્કર વ્યાવસાયિક તાલીમ મળે છે. લોકભારતી યુનિવર્સિટી આ પરંપરાને એક ડગલું આગળ લઈ ગઇ છે અને તમામ અભ્યાસક્રમોમાં ઇન્ટર્નશીપ ફરજિયાત દાખલ કરવામાં આવી છે.
જેનાં માટે લોકભારતીએ ગુજરાતની અને દેશની નામાંકિત કંપનીઓ સાથે જોડાણ (ટાય-અપ) કર્યું છે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આ કંપનીઓ તાલીમ મળી રહે. જેને સઘન તાલીમ મળે છે એ આપોઆપ આત્મનિર્ભર બને છે.
રસ ધરાવનાર સૌએ એકવાર લોકભારતી, સણોસરાની અવશ્ય મુલાકાત લેવી જોઇએ. કારણ કે, લોકભારતીનું પરિસર જોયાં પછી ત્યાં જ અભ્યાસ કર્યા વગર ચેન જ પડે નહીં તેવું નૈસર્ગિક અને પ્રાકૃતિક વાતાવરણ લોકભારતી યુનિવર્સિટીમાં છે. આ માટે તમે પ્રવેશ અધિકારીશ્રી સાવનભાઈ અઘેરા, નો (મો.નં.૯૦૫૪૩૬૬૨૧૨ અથવા ૭૮૭૪૮૦૬૭૬૩) સંપર્ક કરી શકો છો.
લોકભારતીનું કેમ્પસ આપની રાહ જોઇ રહ્યું છે. તો આવો અને ગુજરાત સાથે ભારતને આત્મનિર્ભર બનાવવાનાં આ મહાયજ્ઞમાં જોડાઇએ.
Recent Comments