અમરેલી

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના રોગની અટકાયત માટે અમરેલી શહેરમાં આરોગ્ય વિભાગની સઘન ઝુંબેશ

અમરેલી શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના રોગની અટકાયત માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જ્યાં જ્યાં કેસ નોંધાઈ રહ્યા છે ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારીઓ, આરોગ્ય કાર્યકરો, વેક્ટર કંટ્રોલ કર્મચારીઓ, અમરેલી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના આરોગ્ય કાર્યકરો ડેપ્યુટ કરીને ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી શરૂ છે. ફ્રિજની ટ્રે, પક્ષી કુંજ, ફૂલદાનીઓમાં મચ્છરોના પોરા વિશેષ જોવા મળી રહ્યા છે.

વિવિધ ટીમો દ્વારા ૮૩૪૫ ઘરની મુલાકાત કરવામાં આવેલ છે. ઉપરાંત કુલ ૩૦૫૧૬ પાત્રોની મચ્છર ઉત્પત્તિ માટે તપાસ કરવામાં આવી છે. કુલ ૫૨૩ ઘર અને ૮૫૨ પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળ્યા છે. જેનો સ્થળ પર જ નિકાલ કરાવી ૯૫૪૩ પાત્રોમાં એબેટ દવા નાંખવામાં આવી છે અને સુરક્ષિત કરવામાં આવેલ છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના મચ્છર ચોખ્ખા, ખુલ્લા અને સ્થિર પાણીમાં જ ઇંડા મુકતા હોવાથી ઘરમાં પાણી સંગ્રહમાં પાત્રો, અગાસી, છત, છાજલીમાં રાખેલ જુના ભંગાર પાત્રો, ટાયરો, ફ્રિજ, કુલર, ટ્રે, નારીયેળની ખાલી કાચલીઓ, પક્ષીઓ માટે મુકવામાં આવેલ કુંજ અને પશુઓ માટે મુકવામાં આવેલ કુંડીઓ, બંધ મકાન, કોમન પ્લોટ, સાર્વજનિક જગ્યા, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સહિતના સ્થળોએ ખુલ્લામાં પડી રહેલ પાત્રો, વાસણ, ભંગારમાં પાણીનો ભરાવો થતાં મચ્છર ઉત્પતિ થાય છે. લોકો આવા સ્થાઓએ પાણીનો ભરાવો થતો રોકે જેથી રોગચાળાથી અને રોગથી બચી શકાય. લોકો સ્વંય જાગૃત્ત બને તે જરૂરી છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts