fbpx
ગુજરાત

મોંઘવારીનો મારઃ પેટ્રોલ-ડિઝલ-સિંગતેલ બાદ ખાંડના ભાવમાં ૨ રૂ.નો વધારો

કોરોનાથી કળ વળી નથી ત્યાં મોંધવારીએ માજા મુકતા પટ્રોલ, ડીઝલ, દૂધ અને ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં લોકોના ઘરનાં બજેટ ખોરવાઇ ગયા છે. આટલું ઓછું હોય તેમ હવે ખાંડના ભાવમાં પણ પ્રતિ કિલોએ રૂા.૨નો ભાવ વધારો થયો છે. જેના લીધે હવે પ્રતિ કિલો ખાંડનો ભાવ રૂા.૪૦એ પહોચ્યો છે. એટલે જેની ચુસ્કીથી સેંકડો લોકોની સવાર પડે છે તે ચાનો સ્વાદ પણ હવે કડવો બનશે.

શ્રાવણ માસની શરુઆત થતાની સાથે ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે ખાદ્યતેલથી લઈ અનેક ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જે લોકો ચાના શોખીન છે તેમના માટે માઠા સમાચાર આવ્યા છે કે , ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ રૂા.બેનો વધારો થયો છે. અગાઉ એક જાણીતી કંપનીના દૂધના ભાવમાં પણ વધારો થયો હતો તેની શાહી સૂકાઈ નથી ત્યાં ખાંડમાં વધારો થયો છે.

ગત મહિને સરકાર દ્વારા ખાંડનો ક્વોટો જાહેર કરાયા બાદ માત્ર ૧૪ દિવસમાં ક્વિન્ટલ એટલે કે ૧૦૦ કિલોએ રૂા.૧૫૦થી ૨૦૦નો વધારો કરાયો છે. હોલસેલમાં ખાંડ ડી-૧ ક્વિન્ટલના ભાવ રૂા .૩૪૦૦ હતા તે વધીને હવે રૂા.૩૫૫૦ થયા છે. જ્યારે ખાંડ સી-૧ ક્વિન્ટલના ભાવ રૂ.૩૫૫૦ હતા તે વધીને ૩૭૫૦ થયા છે. ખાંડ એક કિલોનો ભાવ જ્યાં રૂા.૩૭.૫૦ થી રૂ .૩૮ હતો તે વધીને રૂા .૪૦એ પહોંચ્યો છે

ભાવ વધવા પાછળનું કારણ જણાવતા વેપારી સૂત્રો કહે છે કે, કેન્દ્ર સરકારે ગત માસે ૨૨ લાખ ટન ખાંડનો ક્વોટો જાહેર કર્યો છે. આગલા માસ કરતાં એક લાખ ટન ખાંડનો ક્વોટો ઓછો જાહેર કરતાં ખાંડના ભાવ વધી રહ્યા છે . બીજી તરફ્‌ ખાંડનો ઓછો ક્વોટો અને કોરોના મહામારી બાદ સમગ્ર દેશમાં હોટલો સહિતના ઉધોગોમાં ખાંડની ડિમાન્ડ વધી છે જેના કારણે પણ ભાવમાં વધારો થયો છે.

Follow Me:

Related Posts