ગુજરાત

મોઘવારીએ માજા મુકી:તેલમાં તોતિંગ ભાવ વધારાથી લોકો પરેશાન…

ખાદ્યતેલના ભાવની વધઘટ પામોલીન તેલ પર આધાર રાખે છે. પામોલીન તેલ મલેશીયા અને ઈન્ડોનેશીયાથી આયાત થાય છે. આ તેલ પર ડ્યુટી લાગતી હોવાથી તે તેલનો ભાવ વધે તો બીજા તેલનો ભાવ પણ વધી જાય છે. શહેરમાં સીંગતેલ, કપાસીયા, સનફ્લાવર અને મકાઈનું તેલ હાલ વધારે ખવાય છે. જેમાં સન ફ્લાવરમાં રૂા.૬૫૦ અને મકાઈમાં રૂા.૧૦૦૦નો ભાવ વધારો થયો છે. જ્યારે સૌથી વધુ ભાવ વધારો કપાસીયા તેલમાં રૂા.૧૧૦૦નો વધારો થયો છે. ઉલ્લેખનિય છે કે, પામોલીન તેલમાં ૧ વર્ષમાં જ રૂા.૮૦૦નો વધારો નોંધાયો હતો.

શ્રાવણ મહિનો શરૂ થતાં જ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. જાેકે તહેવારો ટાણે જ ખાદ્યતેલમાં બેથી ત્રણ ગણો ભાવ વધારો થતાં શહેરના મધ્યમવર્ગીય પરિવારોનાં બજેટ ખોરવાઈ ગયાં છે. પેટ્રોલ ઉપરાંત ખાદ્યતેલના ભાવ કુદકે ને ભુસકે વધી રહ્યાં છે ત્યારે મધ્યમવર્ગને બેવડો માર વાગ્યો છે. પહેલાં લોકો સિઝનમાં સિંગતેલ અને કપાસીયા તેલના બારેમાસના ડબ્બા ખરીદતા હતાં. પણ ભાવ વધારાના કારણે લોકોએ ડબ્બા ખરીદવાનું ઓછું કરી દીધું છે. લોકો ૧ લિટરથી ૫ લિટરનું પાઉચ ખરીદવા મજબૂર બન્યાં છે. શહેરમાં સિંગતેલ અને કપાસિયા તેલ સૌથી વધુ ખવાય છે ત્યારે ૧૫ કિલોના ભાવ જાેઈએ તો સિંગતેલમાં એક વર્ષમાં રૂા.૭૯૦ અને કપાસિયામાં રૂા.૧૧૦૦નો ભાવ વધારો થયો છે. બીજી તરફ પામોલીન રૂા.૨૧૦૦ પ્રતિ ૧૫ લીટરે વેચાય છે. સીંગતેલ અને કપાસીયાથી પામોલીન તેલ સસ્તું હોવાથી હોટલ,રેસ્ટોરાં અને લારીઓમાં મોટાભાગે પામોલીનનો જ ઉપયોગ થઈ રહ્યો છે. શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ તોતિંગ વધારો થયો છે. જેમાં હાલ શહેરમાં પેટ્રોલનો ભાવ રૂા.૯૮.૧૫ અને ડિઝલનો ભાવ રૂા.૯૫.૬૬ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છ મહિના પહેલા શહેરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂા.૮૭.૩૯ અને ડિઝલનો પ્રતિ લિટર ભાવ રૂા.૮૬.૭૮ રૂપીયા હતો. આમ છ મહિનામાં પેટ્રોલમાં રૂા.૧૦.૭૬ અને ડિઝલમાં રૂા.૮.૮૮નો ભાવ વધારો થયો છે. આ ભાવ વધારાને કારણે અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે.

Related Posts