સૌરાષ્ટ - કચ્છ

મોટા ઈટાળા ગામે મિત્રો સાથે ન્હાવા ગયેલો આશાસ્પદ ઇજનેર યુવકનું ડુબી જતાં મોત

ધ્રોલની ભાગોળે ખારવા અને મોટાઈટાળા વચ્ચે બાવની નદીમાં ખોડિયાર ઘુનામાં નહાવા પડેલા મોટા ઈટાળા ગામના આશાસ્પદ ઇજનેર યુવકનું ડુબી જતાં મોત નિપજ્યું હતું.આઠ-દશ મિત્રો સાથે ન્હાવા ગયા બાદ આ કરૂણાંતિકા સર્જાઇ હતી.બીજી બાજુ આધારસ્તંભ ગુમાવતા ખેડુત પરીવાર પર વજ્રઘાત થયો છે.જયારે સમગ્ર ગામમાં ભારે અરેરાટી વ્યાપી હતી.

ધ્રોલ તાલુકાના ખારવા અને મોટા ઈટાળા ગામની સીમ વચ્ચે બાવની નદીમાં આવેલા ખોડીયાર ઘુનાના પાણીમાં બુધવારે બપોરે મોટા ઈટાળા ગામનાં આઠ થી દશ યુવાન મિત્રો નહાવા ગયા હતા.

જે દરમ્યાન મોટા ઈટાળા ગામે રજામાં આવેલો હાલ કેમીકલ એન્જિનિયર તરીકે અમદાવાદમાં નોકરી કરતા ઇજનેર ભૌતિક જયેશભાઈ સોરઠીયા (ઉ.વ. ૨૧)અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો.જે પાણીમાં બહાર ન આવતા તેના મિત્રોએ શોધખોળ છતા પતો ન લાગતા ગામલોકોને વાકેફ કરાયા હતા તેમજ જામનગર ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. જેથી આખરે ફાયર બ્રિગેડે બે કલાકની શોધખોળ બાદ ભૌતિકનો મૃતદેહ પાણી અંદરથી બહાર કાઢ્યો હતો જેને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવથી યુવકનાં પરિવારમાં કલ્પાંત વ્યાપી ગયો હતો અને મોટા ઈટાળામાં શોકનું મોજું પ્રસરી ગયું હતું.
ભૌતિક હાલ વડોદરા ખાતે કેમીકલ કંપનીમાં કેમીકલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. વતન મોટા ઈટાળા ગામે બે દિવસ પહેલા રજામાં આવ્યો હતો. પરિવારમાં તેનાં માતા-પિતા ખેતી કામ કરે છે. એક નાની બહેન છે. કુટુંબનો આધાર સ્તંભ સમાન પુત્રનું મૃત્યુ થતાં પરિવારમાં ઘેરો શોક છવાયો હતો.

Follow Me:

Related Posts