મોટા ભંડારીયા ખાતે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડુત તાલીમ યોજાઇ
અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામે આત્મા પ્રોજેક્ટ, અમરેલી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખેડુત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ગામમાં ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવું આહ્વાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવ્યું હતુ. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના કૃષિ વૈજ્ઞાનિક ડો. પિનાકીન પ્રજાપતિ દ્વારા પ્રાકૃતિક ખેતીના આયામો અંગેની સંપૂર્ણ માહિતી અને પ્રાકૃતિક ખેતીના ફાયદા વિષે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.
અમરેલી જિલ્લા આત્મા પ્રોજેકટના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી બી. એચ. પીપલીયા ઉપસ્થિત રહ્યા હતા,તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે દરેક ગામમાં શિબિરોનું આયોજન કરી ખેડુતોને આ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. જમીનને બગડતી અટકાવવા માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા શું કરી શકાય તે અંગે તેમણે વિગતે વાત કરી હતી. પ્રાકૃતિક કૃષિ થકી ઉત્પન્ન થતી કૃષિ પેદાશો રસાયણ મુક્ત હોવાથી આપણી પોતાની તંદુરસ્તી સાથે જમીનની તંદુરસ્તી પણ જળવાઇ રહેશે. આત્મા પ્રોજેકટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી દિલીપભાઇ ચાવડાએ આત્મા દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીથી ખેડુતોને માહિતગાર કર્યા હતા. વધુમાં વધુ ખેડુતોને આત્મા સાથે જોડાવા અપીલ કરી હતી.
આ તાલીમમાં પ્રાકૃતિક ખેતી કરતા મોટા ભંડારીયા ગામના ખેડૂતશ્રી મહેન્દ્રભાઇ સોરઠીયાએ પોતાના ખેત અનુભવ વર્ણવી પ્રાકૃતિક ખેતી માટે અન્ય ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અમરેલી તાલુકાનાં બી.ટી.એમ. સેજલબેન પડશાળા દ્વારા કરવામાં આવ્યું હતુ, તેમ અમરેલી જિલ્લા આત્મા પ્રોજેકટના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments