ગુજરાત

મોબાઇલ નંબર પોતાના નામે કરાવી મિત્રના ખાતામાંથી ૧.૫૩ લાખ ચાંઉ

વાગરા તાલુકાના ગલેન્ડા ગામે રહેતાં એક સિક્યુરિટી ગાર્ડનો મોબાઇલ નંબર પોતાના નામે કરાવી મિત્રએ મિત્રના જ બેન્ક ખાતામાંથી ૧.૫૩ લાખ રૂપિયા ચાંઉ કરી નાંખ્યાં હતાં. સિક્યુરિટી ગાર્ડને જાણ થતાં તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાગરાના ગલેન્ડા ગામે રહેતાં અને શ્રી દત્તા પ્રાઇવેટ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતાં રામનિવાસ બનીસિંગ હુંડા પાસે તેમની સાથે જ કામ કરતાં નિતિષ રાધેશ્યમ મંડલ (મુળ રહે. દુર્ગાપુર, વેસ્ટ બંગાળ) નામના મિત્રએ ૮ હજારની માંગણી કરી હતી. જેના પગલે રામનિવાસે તેમનું એટીએમ કાર્ડ અને પીન નંબર તેને આપ્યો હતો. રૂપિયા આપ્યાં બાદ તેણે એટીએમ પરત આપી દીધું હતું.

દરમિયાનમાં તેમના પુત્રએ તેમના એકાઉન્ટમાંથી દોઢ લાખ ઉપાડવા માટે ચેક નાંખતાં ખાતામાં માત્ર ૩૦૦ રૂપિયા જ હોવાનું માલુમ પડયું હતું. જેના પગલે તેમણે હરિયાણા તેના વતને સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં તેમના ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં માલુમ પડ્યું હતું કે, નિતિષ મંડલે કોઇ રીતે રામનિવાસનો નંબર પોતાના નામે કરાવી લઇ તેમાં લોગીન કરી રામનિવાસ તેમજ તેની પત્નીના નામના એસબીઆઇના જાેઇન્ટ એકાઉન્ટમાંથી અલગ અલગ ૧૫ ટ્રાન્ઝેક્શન થકી પોતાના ખાતામાં તબક્કાવાર કુલ ૧.૫૩ લાખ રૂપિયા ટ્રાન્સ્ફર કરી લીધાં હતાં. બનાવને પગલે રામનિવાસને જાણ થતાં તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Related Posts