મોરબીની સિરામિક ફેક્ટરીમાં માટી ભરવાના સાયલા તૂટતાં ૩ લોકોનાં મોત
મોરબીથી ૨૦ કિમી દૂર જેતપર રોડ પર આવેલા સિરામિક યુનિટમાં બનાવવામાં આવેલા પ્રોસેસ્ડ માટીના સાયલા અચાનક જ એક બ્લાસ્ટ સાથે ધસી પડવા લાગતાં નીચે કામ કરી રહેલા કાર્યકરો અને ચેમ્બરમાં બેઠેલા પાર્ટનર માટીના મહાકાય ગંજ નીચે દટાઇ ગયા હતા અને ત્રણના મોત નીપજ્યા હતા જ્યારે મહિલા સહિત બેને ઇજા પહોંચી હતી, જેમાં મહિલાની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. ઇજાગ્રસ્ત મહિલાને તાબડતોબ માલિકની કારમાં જ મોરબીની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બપોરે ચાર કલાકે બનેલી ઘટનાની મોડેથી જાણ થતાં પોલીસ પણ મોડી પહોંચી હતી અને રાતે બે ક્રેઇનને માટી હટાવવાના કામે લગાડવામાં આવી હતી.
મોરબી નજીક જશનભાઇ અને ભાવિનભાઇ પટેલની માલિકીનું ગ્રીસ સિરામિક યુનિટ આવેલું છે, જેમાં કમ્પાઉન્ડ વોલ નજીક ચાર ચારની હરોળમાં માટીના સાયલા બનાવવામાં આવ્યા હતા. બપોરના સમયે અચાનક જ દીવાલ પાસે બ્લાસ્ટ જેવો ભયાનક અવાજ આવ્યો અને ધડાકાભેર એક પછી એક સાયલા ધસી પડવા લાગ્યા. ક્ષણવારમાં તો અહીં માટીના ગંજ ખડકાઇ ગયા અને સંજય સાણંદિયા, જેઓ સિરામિક યુનિટના એક પાર્ટનર પણ છે, અરવિંદ ગામી અને સોરલબેન દટાઇ ગયાં હતાં, જ્યારે નવીનભાઇ પટેલ અને કલિતા ગણાવાને ઇજાને પગલે સારવાર માટે ખસેડાયાં હતાં. ઉલ્લેખનીય છે કે આ કંપનીનો શેડ હજુ દોઢ વર્ષ પહેલાં જ બનાવવામાં આવ્યો હતો. દુબઇની આરએકે એટલે કે રઝ અલ ખીમા નામની કંપની સાથે યુનિટની પાર્ટનરશિપ છે.
બ્લાસ્ટ કઇ રીતે થયો? દીવાલો શું કામ ધસી પડી એ સહિતનાં કારણોની તપાસ મોડી રાત સુધી ચાલી હતી. યુનિટના પાર્ટનર સંજયભાઇ સાણંદિયા, જેઓ ભાવિનભાઇ પટેલના જીજાજી થતા હતા તેઓ મુલાકાતે આવ્યા હતા અને પોતાની ચેમ્બર, જે સાયલાની વચ્ચે બનાવાઈ હતી એમાં બેઠા હતા અને બહાર નીકળી શક્યા ન હતા. આ દુર્ઘટનામાં દટાઇ જતાં જેનું મોત થયું એ સોરલબેનના પતિ કે જેઓ આંખનું ઓપરેશન કરાવવાનું હોઇ છ દિવસ પહેલાં જ તેમના વતન દાહોદ ગયા અને પાછળથી પત્નીની કાયમ માટે આંખ મીંચાઈ ગઈ.
Recent Comments