fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબીમાં કાર વીજ પોલ સાથે અથડાતા ૩ના મોત

મોરબી રાજપર રોડ પર થોરાળા ગામથી આગળ જવાના રસ્તે એક એસેન્ટ કાર પસાર થઇ રહી હતી. ત્યારે પુરઝડપે જઇ રહેલી આ કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી અને કાર પલટી મારી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં કારની અંદર બેઠેલા કાર ચાલક, એક મહિલા અને અન્ય એક વ્યક્તિ મળી કુલ ૩ લોકોને હાથે, પગે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જેથી એક મહિલા સહિત કુલ બે વ્યક્તિઓને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા સારવાર મળે એ પહેલા જ એ બંને વ્યક્તિનાં પણ મોત નીપજ્યાં હતા. સૂત્રો અનુસાર મૃતક વ્યક્તિ મોરબીના રાજપર પાસે આવેલા એક કારખાનાની અંદર મજૂરી કામ કરતો હતો. આ ઘટનામાં જે ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. તેમાંથી એક કોન્ટ્રાક્ટર છે અને મહિલા સહિત બે મજૂર છે. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલિસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ મોરબી પોલિસ ચલાવી રહી છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ મથકનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનોની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કારમાં સવાર એક વ્યક્તિનું નામ મનોજ રાય અને અન્ય એક વ્યક્તિનું નામ રાજેશકુમાર બેચંદભાઈ મહેતા ટંકારાના હોવાનું અને ઓરેન્જ પોલીપેક ચાંચપરના કોન્ટ્રાકટર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મહિલાની હજુ કોઈ ઓળખ મળી નથી.મોરબી-રાજપર રોડ પર થોરાળા ગામથી આગળ જવાના રસ્તે વીજ પોલ સાથે એક એસેન્ટ કાર ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કારમાં બેઠેલી મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. હાલમાં આ તમામ મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની પોલિસને જાણ કરવામાં આવતા પોલિસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Follow Me:

Related Posts