fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબીમાં ત્રણ વ્યાજખોરોએ યુવક પાસે ઉધરાણી કરી, પરિવારને મારી નાખવાની ધમકી આપી

બનાવની મળતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર રુદ્ર પ્રયાગમાં રહેતા મિલન આગોલાએ આરોપી પ્રવીણ, દેવશી તથા સુરેશ વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આજથી ૬ માસ પહેલા વ્યવસાયમાં રૂપિયાની જરૂર પડતા મિલને આરોપી પ્રવીણ પાસેથી રૂપિયા ૬ લાખ વ્યાજે લીધા હતા. જેમાં આરોપી પ્રવીણે તેને કહ્યું હતું કે, તારે રોજના એક લાખના રૂપિયા ૭૦૦ લેખે કુલ ૬ લાખના ૪૨૦૦ રૂપિયા રોજનું વ્યાજ આપવું પડશે. એ સ્વીકારીને મિલને પૈસા વ્યાજે લીધા હતા અને આરોપી પ્રવીણને બેંકના સહીવાળા બે કોરા ચેક આપ્યા હતા.

અત્યાર સુધીમાં આરોપી પ્રવીણને મિલને ૫.૫ લાખ ચૂકવી દીધા છે. છતાં આરોપી પ્રવીણ વધુ ૮ લાખની ઉઘરાણી કરતો હતો. જે બાદ ધંધા માટે વધુ રૂપિયાની જરૂર પડતા મિલને આરોપી દેવશી પાસેથી ૫ મહિના પહેલા રૂપિયા ૨ લાખ વ્યાજે લીધા હતા. આરોપી દેવશીને પણ તેણે સહીવાળા બેંકના બે કોરા ચેક આપ્યા હતા અને ૧૦% લેખે તેઓ દર મહિને રૂપિયા ૨૦,૦૦૦નું વ્યાજ ચૂકવતો હતો. આરોપી દેવશીને આજ સુધીમાં રૂપિયા ૧,૨૦,૦૦૦ મિલને ચૂકવી દીધા છે તેવું તેણે જણાવ્યું હતું.

વધુમાં પોલીસ ફરિયાદમાં તેણે કહ્યું હતું કે, ધંધા માટે વધુ રૂપિયાની જરૂર પડતા તેણે આરોપી સુરેશ પાસેથી ૫ મહિના પહેલા રૂપિયા ૩ લાખ વ્યાજે લીધા હતા અને તેને એક લાખનો એક દિવસના રૂપિયા ૭૫૦ મળી ૩ લાખના રૂપિયા ૨૨૫૦નું વ્યાજ ચૂકવતો હતો. તેને પણ બેંકના બે સહીવાળા કોરા ચેક આપ્યા હતા અને આજ સુધીમાં આરોપી સુરેશને રૂપિયા ૨.૪ લાખ મિલને ચૂકવી દીધા છે. તેમ છતાં આરોપી સુરેશ વધુ ૩ લાખની ઉઘરાણી કરતો હતો. આ ત્રણેય વ્યાજખોરો અવારનવાર તેના ઘરે આવતા હતા અને તેના ધર્મ પત્નીને અપશબ્દો બોલતા. તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા મિલને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts