મોરબીમાં વ્રજ હોટલમાંથી સેક્સ રેકેટ પકડાયુંઃ માલિક-મેનેજરની ધરપકડ
શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી વ્રજ હોટલમાંથી સેક્સરેકેટ પકડાયું છે. હોટેલની આડમાં કુટણખાનું ધમધમતું હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી. બાતમીને આધારે ડમી ગ્રાહક મોકલી હોટલમાં રેડ કરતાં આ રેકેટ પકડાયું હતું. પોલીસે હોટલના માલિક અને મેનેજરને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસના દરોડોમાં મુંબઈ અને બંગાળ સહિતના રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે દેહવિક્રયનો ધંધો કરાવાતો હતો.
મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી વ્રજ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓને બોલાવી રેકેટ ચલાવાતું હતું. આ અંગે ચોક્કસ બાતમી મળતા ગત રાત્રે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યાર બાદ પોલીસે રેડ કરતા હોટલની આડમાં દેહવ્યાપાર કરાતો હોવાનું સામે આવ્યું હતું.
હોટલના માલિક અને મેનેજર બહારથી યુવતીઓ બોલાવીને ગ્રાહકોની માંગ સંતોષતા હોવાનું ખુલતા પોલીસે હોટલના માલિક ઘનશ્યામભાઈ પ્રભુભાઈ જીંજુવાડિયા અને મેનેજર વિકાસ ચેનસુખ જૈનની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હોટલમાંથી પશ્ચિમ બંગાળ અને મુંબઈ તેમજ અન્ય રાજ્યોની ચાર યુવતીઓ મળી આવી હતી. જેમની પાસે હોટલ સંચાલકો દેહવિક્રયનો ધંધો કરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Recent Comments