મોરબી શહેરમાં વર્ષ ૨૦૨૧માં થયેલી ચકચારી મમુ દાઢી હત્યા કેસ બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં ૧૪ ઈસમો ઝડપાયા હતા. બાકીના આરોપીને પકડવાના બાકી હતા અને પોલીસે ગુજસીટોક મુજબ કાર્યવાહી કરી હતી. જે ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપી નવ મહીને લીલાપર ચોકડી પાસેથી ઝડપાયો છે. મોરબી શહેરમાં ચાલતી ગેંગવોરને પગલે ગત તારીખ ૦૮/૦૯/૨૦૨૧ના રોજ હત્યાનો બનાવ બન્યો હતો. જે ચકચારી હત્યા કેસમાં તપાસ દરમિયાન સંગઠિત ગુના આચરતી ટોળકી (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સીન્ડીકેટ) તળેનો ગુનો બનેલો હતો. જેથી પોલીસે ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ વર્ષ ૨૦૧૫ની કલમ ૩ (૧)ની પેટા કલમ (૧) તથા (૨) તથા કલમ ૩ (૨) અને કલમ ૩ (૪) મુજબની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જે કેસમાં કુલ ૧૮ આરોપીઓની સંડોવણી ખુલી હતી અને તપાસ દરમિયાન કુલ ૧૪ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. જેની વિરુદ્ધ ગુજસીટોક સ્પેશ્યલ કોર્ટ રાજકોટ ખાતે ચાર્જસહિત કરવામાં આવી હતી.
ગુનામાં ચાર આરોપી નાસતા ફરતા હોવાથી તેમને ઝડપી લેવા કોર્ટ તરફથી વોરંટ મેળવી હતી. જે ચારેય આરોપીને ઝડપી લેવા મોરબી પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આરોપીઓને ઝડપી લેવા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પ્રયત્નશીલ હતી. તે દરમિયાન ટીમના સંજય પટેલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમ ફૂગશીયાને બાતમી મળી હતી કે, આરોપી હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર રહે વજેપર મેઈન રોડ દરગાહ પાસે મોરબીવાળો હાલ લીલાપર ચોકડી પાસે ઉભો છે. જેથી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે આરોપીને લીલાપર ચોકડી પાસેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોપવામાં આવ્યો છે.
જે આરોપી નવ માસથી ગુજસીટોક ગુનામાં નાસતો ફરતો હતો. જેને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે. જે આરોપી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં હત્યા અને ગુજસીટોકના ગુના ઉપરાંત એ ડિવિઝન પોલીસ મથકમાં જીપી એક્ટ, મારામારી, ધમકી સહિતના ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
Recent Comments