મોરબીમાં ૨૫૦૦થી વધુના મોત થયા છતાં સરકાર આંકડા છુપાવી રહી છેઃ ધાનાણી
ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો બાદ આ મહામારીની બીજી લહેરમાં તો રાજ્યની સ્થિતિ ખુબ જ વણસી હતી. રાજ્યમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટ્યો હતો અને લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા હતા. ત્યારે સરકારી કામકાજ પર પણ લોકોએ આંગળી ઉઠાવી હતી. મોતને ભેટેલા કોરોના દર્દીના સ્વજનોએ સરકારી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. ત્યાં જ કોંગ્રેસે પણ ગુજરાત સરકાર પર કોરોના કેસ અને મૃત્યુઆંકને લઇ મસમોટા આક્ષેપો કર્યા હતા.
આજે કોંગી નેતા પરેશ ધાનાણી મોરબીની મુલાકાતે આવ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. દરમિયાન પરેશ ધાનાણીએ ગુજરાત સરકારને નિષ્ફળ ગણાવી હતી અને રૂપાણી સરકાર પર પ્રહારો કર્યા હતા તો કોરોનાથી પીડિત તમામને આર્થિક પેકેજ આપવાની માંગ કરી હતી.
મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત આજે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી આવ્યા હતા. ધારાસભ્ય લલિત કગથરા સાથે પરેશ ધાનાણી એ આજે હોસ્પિટલના સ્ટાફ સાથે પણ ચર્ચા કરી હતી અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે ધાનાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ધાનાણીએ કોરોના મહામારી મામલે રૂપાણી સરકારને સદંતર નિષ્ફળ ગણાવી હતી. અને મોરબી સિવિલની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી તેમજ સરકાર પાસે કોરોનાથી મોત થયું હોય કે સારવાર લેવી પડી હોય તમામને આર્થિક પેકેજ આપવા કોંગ્રેસ વતી માંગ કરી હતી. મોરબી જિલ્લામાં ૨૫૦૦થી વધુ મૃત્યુ નોંધાયા છતાં સરકાર આંકડા છુપાવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા.
Recent Comments