રાષ્ટ્રીય

યુક્રેનથી અત્યાર સુધીમાં ૧૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરત આવ્યા

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ દિવસેને દિવસે ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પરમાણુ હથિયારો તૈયાર રાખવાનો આદેશ આપી દીધો છે. આવી સ્થિતિમાં યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકો હિજરત કરી રહ્યા છે અને પડોશી દેશોમાં શરણ લઈ રહ્યા છે. તે જ સમયે, ભારત સરકાર યુક્રેનમાં ફસાયેલા તેના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે અભિયાન પણ ચલાવી રહી છે. અત્યાર સુધીમાં ૧૧૦૦થી વધુ ભારતીયો કિવથી સુરક્ષિત પરત ફર્યા છે.

જાે કે હજુ પણ મોટી સંખ્યામાં નાગરિકો ત્યાં ફસાયેલા છે. મળતી માહિતી મુજબ, યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા એર ઈન્ડિયાની પાંચમી ફ્લાઈટ આજે દિલ્હી એરપોર્ટ પર ઉતરી છે. બુકારેસ્ટ (રોમાનિયા) થઈને યુક્રેનમાં ફસાયેલા ૨૪૯ વિદ્યાર્થીઓ અને અન્ય ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ (છૈં ૧૯૪૨) સોમવારે સવારે ૬ઃ૩૦ વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી. ‘ઓપરેશન ગંગા’ હેઠળ બુકારેસ્ટથી ૨૧૯ નાગરિકોને લઈને એર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટ શનિવારે (૨૬ ફેબ્રુઆરી) મુંબઈમાં ઉતરી હતી. જ્યારે ૨૫૦ ભારતીય નાગરિકો સાથે બુકારેસ્ટથી બીજી ફ્લાઇટ રવિવારે રાત્રે (૨૭ ફેબ્રુઆરી) લગભગ ૨.૪૫ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી.

તે જ સમયે, ૨૪૦ લોકોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે (૨૭ ફેબ્રુઆરી) સવારે ૯.૨૦ વાગ્યે દિલ્હીમાં ઉતરી હતી. બુકારેસ્ટથી ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત કંપનીની ફ્લાઇટ (ચોથી) ૧૯૮ ભારતીય નાગરિકો સાથે રવિવારે સાંજે ૫.૩૫ વાગ્યે રાષ્ટ્રીય રાજધાની પહોંચી હતી. ૧૩,૦૦૦ થી વધુ ભારતીય નાગરિકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવારે સવારે પાંચમી ફ્લાઈટ ભારતમાં લેન્ડ થતાની સાથે જ યુક્રેનથી ‘ઓપરેશન ગંગા’ હેઠળ બચાવાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૧૧૫૬ થઈ ગઈ છે.

Related Posts