fbpx
સૌરાષ્ટ - કચ્છ

યુપીના બ્રોકર સાથે ચીટરોની સસ્તા સોનાના નામે ૧૨.૧૪ લાખની ઠગાઇ

માર્કેટ કરતા ૧૦ ટકા ઓછા ભાવે સોનું અપવાની લાલચ આપી ભુજની કુખ્યાત ચીટર ટોળકીએ યુ.પીના શખ્સ સાથે કરેલી રૂપિયા ૧૨લાખ ૧૪ હજારના ઠગાઇનો બનાવ એક વર્ષ બાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ઉતર પ્રદેશના નોઇડા ખાતે રહેતા બ્રોકરનો વ્યવસાય કરતા અમિત મામચંદ વર્મા (ઉ.વ.૩૭)એ ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ભુજના જુસબ કકલ, દિલાવર કકલ, હનીફ શેખડાડા તેમજ માંડવીના જાવેદ બલોચ તેમજ બે અજાણ્યા શખ્સ સહિત ૬ ચીટરો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ના બન્યો હતો. ફરિયાદીએ ફેસબુકમાં સસ્તા ભાવે સોનું આપવાની જાહેરાત જાેઇ નિલેશ પટેલ (હનીફ શેખડાડા)નો સંપર્ક કર્યો હતો. બાદમાં આરોપીઓએ ફરિયાદીને સસ્તા ભાવે સોનું આપવાની વાત કરીને આરોપીઓએ ફરિયાદીને ભુજ બોલાવ્યો હતો. ફરિયાદી ભુજ આવતાં આરોપી હનીફ ફરિયાદીને કારમાં ગાંધીનગરી ખાતે દિલાવર કકલ (કૌશિક પટેલ)ના ઘરે લઇ ગયો હતો. જ્યાં આરોપીઓએ માર્કેટ કરતાં ૧૦ ટકા ઓછા ભાવે સોનું આપવાનું કહેતાં ફરિયાદીએ ૪.૧૫ લાખમાં ૧૦૦ ગ્રામનું સોનાનું બિસ્કીટ આપ્યું હતું. જેથી ફરિયાદીને વિશ્વાસ આવી ગયો હતો.

બાદમાં વધુ ડીસ્કાઉન્ટની આરોપીઓએ ફરિયાદીને લાલચ આપી હતી. જેથી ફરિયાદીએ ૮.૮૬ લાખમાં બે સોનાના બિસ્કીટ ખરીદ્યા હતા. સસ્તું સોનુ મળતું હોવાથી લાલચમાં ફસાયેલા ફરિયાદીએ સોનું ખરીદવા સગાસબંધીઓ પાસેથી ઉછીના રૂપિયા ૨૮ લાખ લઇને ભુજની આંગડીયા પેઢીમાં મોકલી ફરિયાદી અને તેમનો સાળો અમિત રતનલાલ શર્મા ભુજ આવ્યા હતા.દરમિયાન આરોપી હનીફે આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઇને ફરિયાદીને ભુજની વાઇટ બિલ્ડીંગ પાસે ઉભા રહેવાનું કહ્યું હતું. દરમિયાન એક્ટિવા પર માંડવીના ચીટર જાવેદ બલોચ આવ્યો હતો. અને ફરિયાદીને બે સોનાના અસલી બિસ્કીટ આપી બાકીના લઇને આવુ છું કહીને પલાયન થઇ ગયો હતો. જેથી ફરિયાદીને છેતરાયા હોવાનું જણાતા ફરિયાદી દિલાવર કકલના ઘરે પહોંચ્યા હતા. બાકીનું સોનું લીધા વગર પરત ન જવાનું કહેતાં આરોપીઓએ બે અજાણ્યા શખ્સો મારફતે સાત લાખ પરત આપ્યા હતા.

બાદમાં અહીંથી ચાલ્યા જાવ બાકીનો માલ નહીં મળે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ ડિવિઝન પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓએ ફોન પર ફરિયાદીને મારી નાખવાની ધમકી આપતાં ગભરાયેલા ફરિયાદી દિલાવર કકલના ઘરેથી પરત રિક્ષા મારફતે હોટલ પર જઇ રહ્યા હતા. ત્યારે આરોપીઓએ નંબર પ્લેટ વીનાની ફોરચ્યુનર, અને ક્રેટા સહિત ત્રણ કારથી પીછો કર્યો હતો. રાજ્ય બહારના લોકોને સસ્તા સોનાના નામે છેતરવાની પેરવી ભુજની આ ચીટર ટોળકી કરતી હોવાની મીલેટ્રી ઇન્ટેલીઝન્સે આપેલી ઇન્પુટના આધારે ગત જાન્યુઆરીમાં એલસીબીએ ચીટરોના ઘરે દરોડો પાડીને આરોપી દિલાવર કકલ, જાવેદ ઉર્ફે જાવલો ઇસ્માઇલ બલોચ સહિતના પાંચ ચીટરોને ઝડપી લીધા હતા.

Follow Me:

Related Posts