યુરોપના નિયમને કારણે એરલાઈન્સ કંપનીને ખાલી વિમાનો ઉડાડવા પડે છે
એરલાઇન્સની આ મુશ્કેલીઓ વચ્ચે આમ તો યુરોપીય પંચે મહામારીકાળમાં ફરજિયાત ફ્લાઇટની મર્યાદા ઘટાડી છે. પહેલાં ૮૦ ટકા ફરજિયાત ફ્લાઇટની મર્યાદા હતી તે હવે ૫૦ ટકા કરી દેવામાં આવી છે. એરલાઇન કંપની માટે હવે ૫૦ ટકા અનિવાર્ય ફ્લાઇટની શરતનું પાલન કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે. કંપનીઓ આ મર્યાદાને પણ ઘટાડવા યુરોપીય પંચ સમક્ષ રજૂઆત કરી રહી છે.યુરોપમાં ખાલી ઊડી રહેલા વિમાનોની સમસ્યા વધી જતાં એરલાઇન કંપનીઓ હવે યુરોપીય પંચને તેના નિયમો બદલવા માગણી કરી રહી છે. પરંતુ યુરોપીય પંચ તો આ નિયમોને વધુ કડક બનાવવા જઇ રહ્યું છે. યુરોપીય પંચના નિયમો મુજબ એરલાઇનને વિમાનોના રૂટ જાળવી રાખવા તે રૂટ પર ૫૦ ટકાથી વધુ ફ્લાઇટ ચાલુ રાખવી પડે છે.
આ નિયમને કારણે એરલાઇન્સ મુશ્કેલી અનુભવી રહી છે. પોતાના રૂટ જાળવી રાખવા ઔએરલાઇન્સને સંખ્યાબંધ ખાલી વિમાનો ઉડાવવા પડે છે. તેને ‘ઘોસ્ટ ફ્લાઇટ’ કહેવામાં આવે છે. પોતાના રૂટ જાળવી રાખવા એરલાઇનને તે રૂટ પર ૫૦ ટકાથી વધુ ફ્લાઇટ ચાલુ રાખવી પડે છે પરંતુ બીજી તરફ કોવિડ-૧૯ મહામારીને કારણે લોકો ખૂબ ઓછી યાત્રા કરી રહ્યા છે. જે ફ્લાઇટની ટિકિટ વેચાઇ રહી છે તે ફ્લાઇટ પણ પ્રવાસીથી પૂરી ભરાઇ નથી રહી. જર્મન એરલાઇન્સ લુફ્થાંસાએ ચેતવણી આપી છે કે આ શિયાળામાં તેના કુલ ફ્લાઇટ રૂટના પાંચથી છ ટકા અર્થાત ૧૮,૦૦૦ જેટલી ફ્લાઇટને બિનજરૂરી ઉડાન ભરવી પડશે. તેમાં પ્રવાસીની સંખ્યા એટલી ઓછી હશે કે કંપનીને કોઇ આવક નહીં થાય. લુફ્થાંસા આ પહેલા ૩૩,૦૦૦ રૂટ પર ફ્લાઇટ બંધ કરવાની જાહેરાત કરી ચૂકી છે. આવનારા મહિનામાં હવે વધુ ૧૮,૦૦૦ ફ્લાઇટ રૂટ પર પણ કાપ મુકાઇ શકે છે.
Recent Comments