‘યે રિશ્તા..’ ફેમ કરણ મહેરાની પત્ની સાથે ઘરેલૂ હિંસાના આરોપમાં થઇ ધરપકડ, મળ્યા જામીન
ટીવીનો જાણીતો એક્ટર કરન મેહરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેની પર પત્ની નિશા રાવલે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું, કરન મેહરાએ સોમવાર, ૧ મેના રોજ પહેલા તેની સાથે ઝઘડો કર્યો હતો અને પછી મારપીટ કરી હતી.
ત્યાર બાદ નિશા રાવલે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો. નિશાએ પોતાની ફરિયાદમાં કહ્યું, કરને તેને એ હદે માર માર્યો કે તેને માથામાં ટાંકા લેવા પડ્યાં હતાં. ફરિયાદ બાદ પોલીસે કરન મેહરાની ધરપકડ કરી હતી. કરન મેહરા પર કલમ ૩૩૬, ૩૩૭, ૩૩૨, ૫૦૪, ૫૦૬ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. કરન મેહરાની ધરપકડ બાદ તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.
થોડા સમય પહેલાં જ કરન તથા નિશાના લગ્નજીવનમાં તિરાડ પડી હોવાની ચર્ચા થતી હતી. જાેકે એ સમયે કરને આ તમામ સમાચારોને ખોટા ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે કોરોના દરમિયાન તેની પત્ની નિશાએ તેનું પૂરું ધ્યાન રાખ્યું હતું.
વધુમાં તે પંજાબી પ્રોજેક્ટના શૂટિંગમાં વ્યસ્ત હતો. છેલ્લા ૧૫ દિવસ તેમના માટે તણાવભર્યા રહ્યા હતા. તે શૂટિંગ કરતો હતો અને આ દરમિયાન તેને શરીરમાં દુખાવો થયો હતો અને થાક લાગ્યો હતો. તેને લાગ્યું કે તેને કોરોના છે. કરને આગળ કહ્યું હતું કે પછી તે મુંબઈ પરત ફર્યો અને ટેસ્ટ કરાવ્યો હતો. જાેકે પહેલા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને પછી પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન તેની પત્નીએ ઘણી જ કાળજી લીધી હતી.
કરન તથા નિશાએ છ વર્ષના ડેટિંગ બાદ ૨૦૧૨માં લગ્ન કર્યાં હતાં. બંનેની મુલાકાત ટીવી સિરિયલ ‘હંસતે હંસતે’ના સેટ પર થઈ હતી. બંને ૨૦૧૭માં દીકરાના પેરન્ટ્સ બન્યા હતા. જ્યારે કરન મેહરા ‘બિગ બોસ’માં ગયો ત્યારે નિશા પ્રેગ્નન્ટ હતી.
કરને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં નૈતિકની ભૂમિકા ભજવી હતી. આ સિરિયલમાં તેણે ૭ વર્ષ સુધી કામ કર્યું હતું. તે નૈતિકના નામથી ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. નિશાએ ‘શાદી મુબારક’, ‘કેસર’, ‘મૈં લક્ષ્મી તેરે આંગન કી’માં કામ કર્યું છે. બંનેએ ‘નચ બલિયે’માં પણ ભાગ લીધો હતો.
Recent Comments