રંગીલા રાજકાટવાસીઓ માટે હવે નવું પીકનીક પોઈન્ટ ઈશ્વરિયાપાર્ક ટુંક જ સમયમાં તૈયાર કરાશે
રાજકોટ શહેરીજનોની સાથે બહારથી આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષકનું કેન્દ્ર ઇશ્વરિયાપાર્ક પીકનીક પોઇન્ટને વધુ આકર્ષક બનાવવાની નેમ કલેકટર અરૂણ મહેશ બાબુએ લીધી છે. પાર્કના ડેવલપમેન્ટ માટેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવા માટેના ભાવી યોજનામાં બે એજન્સીઓ આવી છે. ચાલુ મહિનાના અંત સુધીમાં જ તેમાથી એક એજન્સીને ફાઇનલ કરીને તેને કામ આપવાની તૈયારી છે તેમ પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ મીડિયાને જણાવ્યું હતુ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઇશ્વરિયાપાર્કના નયનરમ્ય પીકનીક પોઇન્ટના વધુ વિકાસ માટે કલેકટર તંત્ર દ્વારા લાંબા ગાળાના ભવિષ્યનું અનેક પ્રકારનું આયોજન છે. હજુ તાજેતરમાં જ અહીં વન મહોત્સવ ઉજવાયો હતો. ૧૦૦૦થી વધુ નવા પ્લાન્ટેશન થયા છે. ઇશ્વરિયાપાર્કમાં એેમ્બ્યુઝમેન્ટ પાર્ક બનાવવા સહિતના અનેક આકર્ષણો ભવિષ્યમાં આવવાના છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સહેલાણીઓને મનોરંજન માટે વધુ ક્યા પ્રયાસો કરી શકાય? એ દિશામાં મહત્વકાંક્ષી આયોજનો થઇ રહ્યા છે. અને તેના માટે કલેકટર તંત્રે મગાવેલી ઓફરમાં બે એજન્સીઓ આવી છે. ચાલુ મહિનાના અંતમાં જ તેમાથી એક એજન્સી ફાઇનલ કરી દેવામા આવશે. આ એજન્સી પ્રેઝન્ટેશન સહીત વિકાસની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરશે અને એ મુજબ કલેકટર તંત્ર હસ્તક જ ઇશ્વરિયા પાર્ક ડેવલપમેન્ટના કામ કરવામા આવશે. કોરોના કાળમાં ઇશ્વરિયાપાર્ક લાંબો સમય સુધી બંધ રહ્યુ. હાલ પણ સહેલાણીઓની સંખ્યા જાેઇએ તેટલી નથી હોતી ત્યાંરે આટલા મોટા પાર્કનો મેઇન્ટેનન્સ કઇ રીતે પરવડો તો હશે? તેવા એક સવાલના જવાબમાં પ્રાંત અધિકારી કહ્યુ હતુ કે, કલેકટરના અધ્યક્ષ સ્થાને બનેલી લોક મેળા સમિતિની આવકના ફંડમાંથી લોક ઉપયોગી વિકાસ કામ કરવામા આવે છે. સમિતિ પાસે હાલ ૧૦ કરોડથી વધુ ફંડ છે. ઇશ્વરિયાપાર્કના મેઇન્ટેનન્સનો માસિક ખર્ચ ચાર લાખથી સાડા ચાર લાખ જેટલો આવે છે. લોક મેળા સમિતિના ૧૦ કરોડના ફંડના વ્યાજની ગણતરી કરવામા આવે તો પણ ઇશ્વરિયાપાર્કના મેઇન્ટેનન્સ માટે કાફી છે. ઇશ્વરિયાપાર્ક ડેવલપમેન્ટની જવાબદારી પ્રવાસન નિગમને સોંપી શકાય તેમ છે? પ્રત્યુતર આપતા પ્રાંત અધિકારીએ કહ્યુ હતુ કે, ખંભાલીડા અને ઓસમ ડુંગરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જવાબદારી પ્રવાસન નિગમે રાજકોટ કલેકટરને સોંપેલી છે. ઇશ્વરિયાપાર્ક ડેવલપમેન્ટ માટે પણ જરૂર પડશે તો પ્રવાસન નિગમનું માર્ગદર્શન લેવામા આવશે. પ્રવાસન નિગમ પાસેથી કોઇ ફંડ મેળવવા ઇશ્વરિયાપાર્ક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બંધ બેસે છે કે કેમ? તેનો અભ્યાસ પણ કરાશે.
Recent Comments