રમતોત્સવમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્યમાં અમરેલીનું નામ રોશન કરે તેવી શુભેચ્છા : નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા
ભણતર સાથે રમત ગમત દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય તેવા હેતુથી અમરેલી નગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ‘એકલવ્ય રમતોત્સવ ૨.૦’નો નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા અને ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને શુભારંભ થયો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમરેલી સ્થિત વિદ્યાસભા ડી.એલ.એસ.એસ.ના પ્રાંગણમાં મશાલ પ્રજ્વલ્લિત કરી રમતોત્સવની શરુઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ, વિદ્યાર્થી જીવનમાં રમત ગમતનું શું મહત્વ છે તે બાબતે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, આ રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સમગ્ર રાજ્યમાં અમરેલી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા છે. આ પ્રસંગે તેમણે કાર્યક્રમના આયોજન બદલ અમરેલી નગરપાલિકાને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ શ્રી, ઈફકોના ચેરમેનશ્રી દિલિપભાઈ સંઘાણીએ પ્રાસંગિક ઉદ્ધબોધન કરતા જણાવ્યુ કે, રાજ્યભરના ખેલાડીઓ રમત ગમતમાં આગળ વધે તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
રાજ્યમાંથી ઓલિમ્પિક કક્ષાએ ભાગ લઈ શકે તે માટે ખેલા઼ડીઓ તૈયાર થાય તે આશયથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે આ કાર્યક્રમના આયોજન બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને શુભકામનાઓ પાઠવી અને પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોશી તેમજ અમર ડેરી વાઈસ ચેરમેન શ્રી મુકેશભાઈ સંઘાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણી, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી, જનકભાઈ તળાવિયા, જિલ્લા શિક્ષાણાધિકારી શ્રી ગોહિલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી આશિષભાઈ જોશી, નગરપાલિકાના સદસ્યો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો, કેમ્પસના ડિરેક્ટરશ્રી, રમતોત્સવના દાતાશ્રીઓ, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments