રમત સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે જિલ્લાના તમામ સરકારી અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને સૂચના
જિલ્લા સેવા સદન અમરેલી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ ૨.૦ રજીસ્ટ્રેશનને લઈને તા. ૦૬.૧૦.૨૦૨૩ના રોજ બેઠક યોજાઈ હતી. ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત અમરેલી જિલ્લાને રજીસ્ટ્રેશને લઈ કુલ ૧ લાખ ૮૦ હજારથી વધુનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક પૂર્ણ થાય અને જિલ્લામાંથી વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. ઉપરાંત જિલ્લાના તમામ સરકારી અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ પણ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને પોતાનું રજીસ્ટ્રશન કરે તે માટે સૂચના આપવામાં આવી હતી.
ખેલ મહાકુંભ ૨.૦નું ઓનલાઈન રજીસ્ટ્રેશન વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર તા. ૨૩.૦૯.૨૦૨૩ થી શરૂ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન માટે અંતિમ તા. ૧૮.૧૦.૨૦૨૩ છે. અં-૯,અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગૃપમાં શાળામાં અભ્યાસ કરતાં ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે. ઉપરાંત કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફત રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતાં હોય તેવા ખેલાડીઓ પણ પોતાના ગામ,શહેરની શાળા અથવા હાઈસ્કૂલમાંથી અથવા ખેલ મહાકુંભ માટેની વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જિલ્લા કક્ષાએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કચેરીએથી પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ રમત સ્પર્ધામાં ૯ વર્ષથી નીચે, ૧૧ વર્ષથી નીચે, ૧૪ વર્ષથી નીચે, ૧૭ વર્ષથી નીચે, ઓપન એજ ગૃપ, ૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપરના વયજુથ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ રમતો વયજુથ મુજબ યોજાશે ઉપરાંત વયજુથ મુજબની વિવિધ રમત સ્પર્ધાઓમા ખેલાડીઓ ભાગ લઈ શકે છે.
Recent Comments