fbpx
અમરેલી

રસીકરણમાં બાકી હોય તેવા બાળકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવશે

અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઇ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ હેઠળ જિલ્લા કક્ષાની તમાકુ નિયંત્રણ સ્ટિયરિંગ સમિતિ બેઠકમાં એજન્ડા મુજબ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.વર્ષ ૨૦૨૪ના એપ્રિલ થી શરુ કરી આજ સુધી કરવામાં આવેલ રસીકરણની કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. રસી મેળવવાના બાકી હોય તેવા બાળકોને રસીકરણ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે. ફિલ્ડ પર સર્વે વધારવા, રસીકરણને લગતી કામગીરી ઘનિષ્ઠ રીતે કરવા બાબતે થાય તે માટે હાથ ધરવાની કાર્યવાહી વિશે ચર્ચા કરવામાં આવી હતી.

 જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ અન્વયે જિલ્લામાં સંચારી રોગની હાલની પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં સંચારી રોગ-રોગચાળો નથી. એક્યુટ એન્કેફેલાઈટીસ સિંડ્રોમ (ચાંદીપુરા) અન્વયે કુંકાવાવના બાંભણીયા મુકામે એક શંકાસ્પદ દર્દી હોય તે અંગેની કામગીરી અંતર્ગત જિલ્લા ટીમ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેવગામના કર્મચારીશ્રીઓ દ્વારા આસપાસના ઘરોમાં સર્વે હાથ ધરી, દવા છંટકાવ કરવામાં આવ્યો.સંચારી રોગ બાબતે બરફ ફેક્ટરી, ઠંડા પીણાંની દુકાનો, લારીઓ, પાર્લરો, રસના સીસોડા, ખુલ્લામાં ખાદ્ય ખોરાક વહેંચતા હોય તેવા સ્થળો વગેરેમાં યોગ્ય રીતે નિયમિત ચેકિંગ હાથ ધરવા અને ક્લોરિનેશન અંગેની કામગીરી માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીને સૂચનાઓ આપી હતી.

વર્ષ-૨૦૨૪માં ક્રિમિયન કોંગો હેમરેજીક ફિવર અને હડકવાના એકપણ કેસ નોંધાયા નથી. જુલાઈ-૨૦૨૪ દરમિયાન એનિમલ બાઇટ (રેબિઝ)ના ૬૩૧ કેસ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ-તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા શાળા કાર્યક્રમ ગાઇડ મુજબ શાળા વિસ્તારથી નજીક હોય તેવા વિસ્તારમાં તમાકુ યુક્ત પદાર્થોનું વેચાણ થઇ શકે નહીં તે બાબતે કાયદાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તે સહિતની વિશેષ સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીએ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૨૪ના એપ્રિલ થી જૂન દરમિયાન જિલ્લા સ્કવોડ, આરોગ્ય, પોલીસ, શિક્ષણ, વાહનવ્યવહાર, ખોરાક અને ઔષધ નિયમન, નગરપાલિકાઓ દ્વારા તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ વિવિધ કલમો અંતર્ગત ૮૫૪ કેસ નોંધાયા, દંડ પેટે રુ.૭૦,૧૫૫ની રકમ વસૂલ કરવામાં આવી.બેઠકમાં નાયબ પોલીસ અધિકારીશ્રી ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, આરોગ્ય શાખાના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ અને નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ અને સમિતિના સભ્યશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts