રાજકુમાર સંતોષીને જાનથી મારી નાખવાની ધમકી મળી, ડાયરેક્ટરે નોંધાવી ફરિયાદ
ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ તેનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. નિર્માતાઓ અને ફિલ્મની ટીકા થઈ રહી છે અને તેની વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એટલું જ નહીં રાજકુમારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે. ધમકીઓથી પરેશાન રાજકુમારે સોમવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને સુરક્ષાની માંગણી કરી. તેમણે લેખિતમાં ફરિયાદ કરી છે અને વધારાની સુરક્ષાની માંગણી કરી છે. તેમણે વિશેષ પોલીસ કમિશનર દેવેન ભારતીને ફરિયાદ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે તેમની ફિલ્મ ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. ઈટાઈમ્સના અહેવાલ મુજબ, રાજકુમાર સંતોષીએ તેમના પત્રમાં લખ્યું છે કે સ્વાર્થી લોકોના એક જૂથે ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ના પ્રમોશન ઈવેન્ટમાં અવરોધ ઉભો કર્યો હતો.
તેમણે લખ્યું, “પછીથી મને કેટલાક અજાણ્યા લોકો તરફથી આ ફિલ્મની રિલીઝ અને પ્રમોશન રોકવા માટે ઘણી ધમકીઓ મળી. હું અસુરક્ષિત અનુભવું છું. જાે આવા લોકોને પકડવામાં નહીં આવે તો મને અને મારા પરિવારના સભ્યોને ગંભીર નુકસાન અને ઈજા થઈ શકે છે. રાજકુમાર સંતોષીએ પત્રમાં આગળ લખ્યું, “મારી અને મારા પરિવારના અન્ય સભ્યોની સુરક્ષા માટે મને તાત્કાલિક વધારાની સુરક્ષા પ્રદાન કરવા માટે હું તમને વિનંતી કરું છું.” ગયા શુક્રવારે યોજાયેલા ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ના પ્રમોશન ઈવેન્ટમાં મીડિયા કર્મચારીઓની વચ્ચે બેઠેલા કેટલાક વિરોધીઓએ કાળા ઝંડા બતાવ્યા હતા અને ‘મહાત્મા ગાંધી ઝિંદાબાદ’ જેવા નારા લગાવ્યા હતા.
વિરોધીઓએ કહ્યું હતું કે ‘ગાંધી ગોડસેઃ એક યુદ્ધ’ મહાત્મા ગાંધીના વારસાને નબળી પાડે છે અને તેમના હત્યારા નાથુરામ ગોડસેની પ્રસિદ્ધિ કરે છે. ઘટના બાદ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન બને તે માટે પોલીસ બોલાવવામાં આવી હતી. ‘ઘાયલ’, ‘દામિની’ અને ‘પુકાર’ જેવી હિટ ફિલ્મો બનાવવા માટે જાણીતા ફિલ્મ નિર્માતાએ પોલીસને જરૂરી પગલાં લેવા વિનંતી કરી હતી. રાજકુમાર સંતોષીએ ફિલ્મની કહાની લખી છે અને તેનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ ગાંધી અને ગોડસે વચ્ચે બે વિરોધી વિચારધારાઓના યુદ્ધને દર્શાવે છે. આ ફિલ્મ ૨૬ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Recent Comments