ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. તેમજ કેટલાક નેતાઓ કોરોનાને કારણે મોતને પણ ભેટી રહ્યા છે. બોટાદ જિલ્લામાં ઢસા ભાજપ જિલ્લા પંચાયતના મહિલા પ્રતિનિધીના પતિનું કોરોનાથી મોત થયું છે. કે. ડી.પાવરાને કોરોનાનું સંક્રમણ થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં સારવાર દરમ્યાન ગઈકાલે મોડી રાત્રે કે.ડી.પાવરાનું મોત થતા જિલ્લા ભાજપમાં ગમગીની છવાઈ ગઈ છે.
ગઈ કાલે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના નેતાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તાપીમાં વાલોડ તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ અને વાલોડ ગામના સરપંચ નિધન થયું છે. કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાલોડના સરપંચ જ્યોતિબેન નાયકાનું સારવાર દરમ્યાન નિધન થતાં તાપી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં શોકની લાગણી ફરી વળી છે.
પરમ દિવસે તાપીમાં ભાજપના નેતાનું કોરોના પોઝિટિવ આવ્યા પછી સારવાર દરમિયાન મોત થયું છે. ઉચ્છલ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રીનું બારડોલી ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. મહામંત્રી મોહનભાઇ ગામીતનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર અર્થે ખસેડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખે કોરોનાથી મૃત્યુ થયું હોવાની વાતની પુષ્ટિ કરી છે.
ગઈ કાલે ગુજરાતમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા ઉપરાંત ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. આ પછી પાટીદાર નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય લલિત વસોયા પણ કોરોના સંક્રમિત થયા છે. તેમનો ૬ વર્ષનો પૌત્ર અને ૯૦ વર્ષના માતા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ, તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
Recent Comments