રાજકોટથી ભાવનગર વેક્સિન લેવા જતી બોલેરોની બાઇકને ટક્કરઃ પત્નીનું મોત
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે આવેલી વાસાવડી નદીના પુલ ઉપર બોલેરો ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. અકસ્માતમાં વૃદ્ધ દંપતી ગંભીર રીતે ઘવાયું હતું. બાદમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજા સાથે વૃદ્ધને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા. બોલેરો રાજકોટથી ભાવનગર વેક્સિન ભરવા માટે જતી ત્યારે વાસાવડ પાસે બાઇકને ઉલાળ્યું હતું અને પતિની નજર સામે પત્નીનું મોત નીપજ્યું હતું. વાસાવડ ગામે ખાંડીયાપરા વિસ્તારમાં રહેતા ઠાકરશીભાઈ મેર પત્ની હંસાબેનની દેરડી કુંભાજીથી દવા લઈ પરત વાસાવડ બાઈક જીજે-૫બીપી-૪૫૪૦ ઉપર આવી રહ્યાં હતા.
ત્યારે વાસાવડી નદીના પુલ ઉપર માતેલા સાંઢની માફક દોડી આવી રહેલા બોલેરો જીજે-૧૮જીએ-૦૭૫૩ના ચાલકે અડફેટે લીધા હતા. અકસ્માતમાં વૃદ્ધ દંપતી રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાયું હતું. બાદમાં ૧૦૮ ઇમરજન્સી સેવાની મદદથી ગોંડલ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગોંડલની ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધા હંસાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર હાલતમાં ઠાકરશીભાઈને રાજકોટ હોસ્પિટલે ખસેડાયા હતા.
આ બનાવ અંગે તાલુકા પોલીસે વિજયભાઈ ઠાકરશીભાઈ મેરની ફરિયાદ પરથી બોલેરો ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪ એમવી એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વૃદ્ધ દંપતીને સંતાનમાં ત્રણ દિકરાઓ છે. જેમાંથી બે દિકરા સુરેશભાઈ અને જગદીશભાઈ પરિવાર સાથે સુરત રહે છે. ત્રીજા નંબરના દિકરા વિજયભાઈ સાથે વૃદ્ધ દંપતી જીવન નિર્વાહ કરી રહ્યું હતું.
Recent Comments