રાજકોટના ખાદી ભવનમાં રોજના ૪૨ હજારના તિરંગાનું વેચાણ
ભારતની આઝાદીના ચોવીસ દિવસ પહેલાં એટલે કે તા. ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ મળેલી ‘બંધારણ સભા’ ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવ્યો હતો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા ધ્વજને પસંદ કરવામાં આવ્યો હતો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે. રાષ્ટ્રધ્વજના કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા જેમાં ખાસ કાપડ માટે ખાદી હાથ વણાટનું કાપડ ઉપયોગ કરવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨ઃ૩ ના ગુણોત્તરમાં એટલે લંબચોરસ હોય છે.
દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે કેન્દ્ર સરકારે ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કર્યું છે ત્યારે આ વર્ષે રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગમાં રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. રાજકોટના ત્રિકોણ બાગ નજીક આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે દૈનિક રૂ.૪૨ હજારના તિરંગાનું વેચાણ થયું છે અને હજુ આગામી ૧૫ ઓગસ્ટ સુધીમાં આ આંકડો ૮ લાખ સુધી પહોંચી જશે તેવી આશા સેવામાં આવી રહી છે. રાજકોટમાં મહાત્મા ગાંધીને પ્રિય એવા ખાદીના રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ આ વર્ષે ખૂબ જ વધારે જાેવા મળી રહી છે.
જેથી છેલ્લા એક સપ્તાહમાં ૩ લાખની કિંમતના અંદાજિત ૮૦૦ રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવ્યું છે. હાલ કર્ણાટકના હુબલી શહેર ખાતે હાથ વણાટથી બનાવવામાં આવતા ખાદીના ખાસ રાષ્ટ્ર ધ્વજનું વેચાણ સમગ્ર ભારતમાં કરવામાં આવી રહ્યું છે. કર્ણાટકના હુબલીમાં સરકાર માન્ય ખાદીના રાષ્ટ્રધ્વજ બને છે. રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા પણ ત્યાંથી જ તિરંગાની ખરીદી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસના ૧૫ દિવસ પહેલાથી જ લોકો રાષ્ટ્રધ્વજની ખરીદી માટે આવતા હોય છે. ગત વર્ષે સ્વતંત્ર દિનને અનુલક્ષીને અંદાજિત રૂ.૧ લાખના તિરંગાનું વેંચાણ થયું હતું.
જેની સામે આ વર્ષે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે અને હર ઘર તિરંગા અભિયાન કારણે માત્ર ૭ દિવસમાં રૂ.૩ લાખની કિંમતના અંદાજિત ૮૦૦ જેટલા રાષ્ટ્રધ્વજનું વેંચાણ થઇ ગયું છે. જે પાછલા વર્ષની સરખામણીએ ત્રણ ગણા વધારે છે. રાજકોટ ખાદી ગ્રામ ઉદ્યોગમાં અલગ અલગ સાઇઝના રાષ્ટ્રધ્વજનું વહેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં રૂ.૧૯૫ થી શરૂ કરી રૂ.૨૯૦૦ સુધીની કિંમતના તિરંગા ઉપલબ્ધ છે.
અહીં મોટી સાઈઝના દોરીવાળા રાષ્ટ્રધ્વજની સાથે સ્ટેન્ડવાળા પણ ઉપલબ્ધ છે. લોકો પોતાની કાર, વાહન, ઘર, ઓફીસમાં રાખી શકે તે પ્રકારનો નાના સ્ટેન્ડવાળા તિરંગાનું પણ વેચાણ વધુ પ્રમાણમાં થઇ રહ્યું છે. હજુ પણ ઘણી બધી સોસાયટીઓ, ઓફિસના ઓર્ડર લેવામાં આવેલ છે જેને આગામી દિવસોમાં તિરંગા પહોંચાડવામાં આવશે આમ ૧૫ ઓગસ્ટ પહેલા લગભગ રૂ.૭થી ૮ લાખની કિંમતના રાષ્ટ્રધ્વજનું વેચાણ થશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
રાષ્ટ્રધ્વજનું મનપા દ્વારા વહેચાણ કરવામાં આવી રહ્યું છે તે માત્ર ૨૫ રૂપિયા કિંમતથી વહેંચવામાં આવી રહ્યા છે પરંતુ આ રાષ્ટ્રધ્વજ ખાદીના હોતા નથી માટે તેની કિંમત ઓછી હોય છે જેની સામે ખાદીના રાષ્ટ્રધ્વજની કિંમત ઊંચી હોય છે પરંતુ રાષ્ટ્રધ્વજ ખરા અર્થમાં ખાદીનો અથવા હાથ વણાટનો હોવો જાેઇએ તેવું આઝાદી પૂર્વે બંધારણની સભામાં નક્કી કરાયું હતું.
Recent Comments