ગુજરાત

રાજકોટના ગોંડલ તાલુકા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં અંગ્રેજી દારૂની સાથે ૧૪લોકોની ધરપકડ કરવામાં આવી

ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગુંદાસરા ગામની સીમમાં સિૃથત ફાર્મ હાઉસમાં ચાલતી અંગ્રેજી દારૂની મહેફિલ ઉપર પરોઢિયે એલસીબી અને એસઓજીએ દરોડો પાડી ૧૪ છાત્રોને ઝડપી લીધા હતા. મોટા ભાગના નબીરા રાજકોટના છે. જેમાંથી ૯ તો સગીર છે. ગઇકાલે રાત્રે દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્યભરમાં ડીજીપીની સૂચનાથી કોમ્બીંગ નાઇટ યોજાઇ હતી. રાજકોટ રૂરલ એલસીબી અને એસઓજીનો સ્ટાફ ગઇકાલે રાત્રે ચેકિંગમાં હતો ત્યારે ગુંદાસરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની ચોક્કસ માહિતી મળતાં પરોઢિયે ચારેક વાગ્યે દરોડો પાડયો હતો.

તે વખતે ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફીલ માણતા ૯ સગીર અને ૫ યુવાનો મળી આવ્યા હતા. આ ઉપરાંત અંગ્રેજી દારૂની ૪ બોટલ, ૧૦૦ એમએલની ૧ બોટલ, ૩ ખાલી બોટલ, વેફર-નમકીન વગેરે મળી આવ્યા હતા. નિયમ મુજબ પોલીસે સગીરના વાલીઓને જાણ કરી હતી. જ્યારે પાંચ યુવાનોની ધરપકડ કરી હતી. જેમાં તીર્થ મયુરભાઈ કંસાગરા દેવાંશ હિતેશભાઈ પાદરિયા, કરંજ કેયુરભાઈ મેઘપરા ધ્વનિલ કલ્પેશભાઈ શાહ આસ્વત મહેશભાઈ રાઠોડ નો સમાવેશ થાય છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દારૂની મહેફિલ માણનારા તમામની ઉંમર ૧૭થી લઇ ૧૯ વર્ષની છે.

તમામ છાત્રો છે. મોટા ભાગની રાજકોટની એક પ્રતિષ્ઠિત સ્કૂલના ધો. ૧૨ના છાત્રો છે. જ્યારે અમુક રાજકોટની જ એક કોલેજના છાત્રો છે. દિવાળીનું વેકેશન પડી જતાં આ તમામે દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. પરિવારજનોને ફાર્મ હાઉસમાં નાઇટ આઊટ કરવા જતાં હોવાનું કહ્યું હતું. પરંતુ જ્યારે વાલીઓને પોલીસે કોલ કરી દારૂની મહેફિલ માણતા પકડાયાની જાણ કરી ત્યારે તેમને આઘાત લાગ્યો હતો. ફાર્મ હાઉસ મૂળ ગુંદાસરા અને હાલ રાજકોટના નાનામવા રોડ પરના ગંગા સાગર પાર્કમાં બંગલો ધરાવતા વિપુલ દામજીભાઈ ખૂંટનું છે. મોટા ભાગના છાત્રોના પિતા કારખાનું ધરાવે છે અગર તો બિલ્ડર છે. કહે છે કે પોલીસની આ રેડનાં પગલે પોલીસ ઉપર ભલામણોનો મારો શરૂ થયો હતો. પરંતુ એક સાથે ૧૪ છાત્રો પકડાયા હોવાથી પોલીસે પોતાની ‘મજબૂરી’ દર્શાવી હતી. આજે પરોઢિયે પોલીસે જ્યારે દરોડો પાડયો ત્યારે પણ ડીજે સાઉન્ડ સિસ્ટમની સાથે પાર્ટી ચાલુ હતી. તમામ છાત્રોના પોલીસે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતાં.

Related Posts