રાજકોટ શહેરની ભાગોળે આવેલા મેટોડા-જીઆઈડીસીમાં આવેલી શ્રમિકની ઓરડીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જેમાં ૫ શ્રમિકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવારમાં ખસેડાયા છે. સવારે દુર્ઘટના બની હતી. જેમાં ગેસ લીકેજ થતા ભડકો થયો હતો. આ દુર્ઘટના દાઝી ગયેલા પાંચેય શ્રમિકોને સારવાર માટે તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આજથી એક મહિના પૂર્વે પણ શાપરમાં આવેલ શ્રમિકની ઓરડીમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં શ્રમિક પરિવાર આગની ઝપેટમાં આવ્યો હતો. મળતી વિગત મુજબ સવારે મેટોડા જીઆઇડીસીના ગેટ નં.૨ ખાતે ‘૪૦ ઓરડી’ નામે ઓળખાતા બિલ્ડીંગની એક ઓરડીમાં અચાનક ઘડાકાના અવાજ સાથે આગ ભભુકી ઉઠી હતી અને દેકારો બોલી જતા આસપાસ રહેતા સ્થાનિકો અને શ્રમિકો દોડી આવ્યા હતા.
જે ઓરડીમાં આગ લાગી હતી તેમાંથી દાઝેલી હાલતમાં વ્યકિતઓ બહાર દોડી આવ્યા હતા. દાઝેલા વ્યકિતઓમાંથી અમુક બેભાન થઇ ગયા હતા.રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મેક પાવર કંપનીનું કારખાનું આવેલું છે. તેના શ્રમિકો કારખાનાની પાછળ આવેલા ડાયમંડ પાર્ક નજીક ઓરડીમાં રહે છે. સવારે અચાનક ગેસ લીકેજ થતા આગજનીનો બનાવ બન્યો હતો. આ મામલે મેક પાવર કંપનીના કોન્ટ્રાક્ટર દિનેશભાઈ વેકરીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, સવારે પાંચેય શ્રમિકો જે ઓરડીમાં રહે છે ત્યાં ગેસ લીકેજ થયો હતો અને આગ ભભૂકી હતી. જેને પગલે ૧૦૮ની ટીમને જાણ કરીને તમામને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ પાંચેય શ્રમિકો સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે.
બનાવની જાણ થતા લોધીકા પોલીસનો કાફલો પણ દોડી આવેલો. દાઝી ગયેલા લોકોના પરિવારના સભ્યો અને સંબંધીઓ તરફથી મળતી વિગત મુજબ દાઝી ગયેલા લોકો મૂળ ઉત્તરપ્રદેશના છે. એક જ પરિવારના કૌટુંબિક સગા છે. ૧૫ દિવસ પહેલા જ આ લોકો મેટોડા જીઆઇડીસીની એક કંપનીમાં કલર કામ માટે આવ્યા હતા અને અહીં ઓરડીમાં રહેતા હતા. હાલ તમામ સારવાર હેઠળ છે. આગની ઘટના અંગે જાણવા મળ્યું હતું કે દાઝેલા પાંચેય વ્યકિત મુળ ઉત્તરપ્રદેશના છે. અહીં ૧૫ દિવસ પહેલા મેટોડા જીઆઇડીસી ગેટ નં.૧ પાસે આવેલી મેકપાવર કંપનીમાં કલર કામ કરવા આવેલા અને ડામયંડ પાર્ક નજીક ૪૦ ઓરડીમાં રૂમ ભાડે રાખી રહેતા હતા. આ પાંચેય વ્યકિત રાત્રે રસોઇ બનાવી જમીને સુતા હતા.
રાત્રે જ ગેસના ચુલાનું બટન ચાલુ રહી જતા ગેસ રૂમમાં પ્રસરી ગયો હતો. આ દરમ્યાન વહેલી સવારે મંગલીપ્રસાદ ઉઠતા તેણે બીડી જગાવતા જ આખા રૂમમાં આગ પ્રસરી ગઇ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાઝેલા શ્રમિકોને ખસેડવામાં આવ્યો ત્યારે દર્દભર્યા દૃશ્યો જાેવા મળ્યા હતા. જ્યાં શ્રમિકોના હાથમાંથી ચામડી ઉખડી જતા કસણી રહ્યા હતા. આગની ઘટનાને પગલે ચિચયારિયો થતા ઉપર રહેતા અન્ય મજૂરો પણ દોડી આવ્યા હતા અને આગની ઝપેટમાં આવેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા ૧૦૮ની ટીમને જાણ કરી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ વિભાગમાં દાખલ કર્યા છે. નોંધનીય છે કે મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં મોટાભાગે શ્રમિકો વસવાટ કરે છે અને છાશવારે અહીં ઓરડીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી રહી છે.
એક મહિના પહેલા શાપરમાં આ જ પ્રકારે સવારે એક કારખાનાની ઓરડીમાં રસોઈ બનાવતી વેળાએ ગેસનો બાટલો ફાટતાં તેમાં રહેતા પરપ્રાંતીય પરિવારના પાચ સભ્યો આગની ઝપેટમાં આવી ગયા હતા અને તેઓને પણ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ ઘટનામાં બાટલો ફાટતાં માસુમ બાળકો વધુ દાઝી ન જાય તે માટે પિતા સળગતો બાટલો લઈ દાઝેલી હાલતમાં ઓરડીની બહાર દોડી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પૂર્વે જ કડી તાલુકાના મણીપુરા ગામમાં ઓરડીમાં ગેસ લીકેજથી ધડાકા સાથે આગમાં ૨ યુવાનો ભડભડ સળગ્યા હતા. જેમાં કંપનીમાં મજૂરીકામ કરીને ઘરે પરત ફરી ભાડાની ઓરડીમાં જમી રહ્યા બાદ થોડીવાર પછી લાઈટ ચાલુ કરવા જતાં ગેસ લીકેજના કારણે ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આગની લપેટમાં બંને પરપ્રાંતિય મજૂરો આખા શરીરે દાઝી જતાં કણસતી હાલતમાં કડી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
Recent Comments