રાજકોટની પરિણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી
ઘોર કલિયુગ આવી ગયો છે આજકાલ લગ્ન જીવન એ એક ડિલ બની ગઈ છે. પત્ની પતિ બંને નાની નાની બાબતમાં ઝઘડાઓ અને તેનો અંત છુટાછેડાથી થાય છે. અને તેનો ભોગ પતિ પત્ની કરતા પણ વધારે તેમનો પરિવાર અને બાળકો બને છે ત્યારે મોરબી સાસરું ધરાવતી રાજકોટની પરિણીતાએ પતિ,સાસુ અને સસરા વિરુદ્ધ મહિલા પોલીસમાં શારીરિક અને માનસિક દુઃખ તથા ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. જ્યાં પરિણીતા પ્રેગ્નેન્ટ થતા પ્રેમલગ્ન કરનાર શંકાશીલ પતિએ ‘તું ઇન્સ્ટાગ્રામમાં અન્ય પુરુષ સાથે વાતો કરે છે ને !’ કહી મારકૂટ કરી હતી. આ મુદ્દે રાજકોટ મહિલા પોલીસે આઇ.પી.સી. કલમ-૪૯૮(દ્ભ),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતાએ મોરબી રહેતા પતિ વિનોદભાઈ મગનભાઈ પડસુંબીયા, સાસુ મધુબેન મગનભાઈ પડાંગીયા અને સસરા મગનભાઈ દેવભાઇ પડસુંબીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, હું રાજકોટની રહેવાસી છું. મારે વિનોદ સાથે પ્રેમસબંધ હોવાથી અમે તા.૨૩/૦૯/૨૦૧૭ના રોજ નાની કુકાવાવ ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા અને લગ્નબાદ અમે ૧૫ દિવસ માટે મુંબઈ ભાગી ગયા હતા. ત્યારબાદ મારા સાસુ-સસરા સાથે સમાધાન થઈ જતા. અમે મોરબી આવી ગયા હતા. લગ્નના એકાદ માસ પછી તા.૨૮/૧૦/૨૦૧૭ના ઘરકામમાં મારાથી ભૂલ થતા મને મારા પતિ તથા સાસુ-સસરા ઘરકામ બાબતે મેણા ટોણા મારવા મંડ્યા અને મારા પતિની પહેલી પત્ની સાથે મારી સરખામણી કરીને સાસુએ કહ્યું કે, વૈભવની પહેલી પત્ની બધું કામ કરતી, તું મોડી ઉઠે છે તને કોઈ કામ કરતા આવડતું નથી’ આમ દરરોજ સતતને સતત મારા પતિ તથા સાસુ-સસરા મને માનસિક ત્રાસ આપતા હતા. તેમના આ માનસિક ત્રાસથી કંટાળી હું કોઇને કહ્યા વગર તા.૩૦/૦૮/૨૦૧૮ના રોજ બપોર પછી મારા માવતરે રાજકોટ આવી ગઈ હતી.
ત્યારબાદ તા. ૦૭/૦૬/૨૦૧૯ના રોજ મારા પતિ મારા પિયરે આવીને રાજીખુશીથી મારી સાથે સમાધાન કરી મને તેડી ગયા. ૨૦ દિવસ બાદ મારા પતિએ મારી પાસે મારા ડોક્યુમેન્ટ માંગ્યા પણ મારી પાસે નહોતા એટલે મારા ભાઈ પાસેથી લેવાનું કીધું. પણ મારા ભાઇએ મારા પતિને મારા પપ્પા સાથે વાત કરવા કહેતા તરત જ મારા પતિએ મને કહેલ કે,,તારા ભાઇથી મને આમ જવાબ જ કેમ દેવાય ?’ એમ કહી મારી સાથે ઝઘડો કરી ગુસ્સામાં કાચની વસ્તુની તોડફોડ કરી હતી. આ ઘટનાથી હું ડરી ગઈ હતી એટલે મારે માવતરે જવું હતું. પણ મને મારા પતિએ મનાઈ ફરમાવી હતી પણ સાસુએ મારા પતિને કહ્યું કે, તેને આંટો મારવા જવા દે.’ જેથી મારા પતિ મને રાજકોટ જવા મંજુરી આપી. પણ ત્યાં પણ મારા પતિ મને આખો દિવસ વીડિયો કોલ કરી ‘તું ક્યા છો ? તારે ઘરની બહાર જવું નહી’ તેમ કહી મારી પર નજર રાખતા અને શંકા કરતા. જેથી હુ મારા પતિના ઘરે પરત ન ગઈ પણ તા. ૧૮/૦૩/૨૦૨૧ના રોજ મારા પતિ મારા ઘરે આવી મને સમાધાન કરી તેડી ગયા હતા.
સાસરે આવ્યાના થોડા સમય બાદ હું પ્રેગ્નેન્ટ થઈ એ સમયે મારા પતિએ મારા પર શંકા કરતા પૂછ્યું હતું કે, તું ઇન્સ્ટાગ્રામ પર કોઇ અન્ય પુરુષ સાથે વાતો કરે છે ને !’ પણ મેં મનાઈ ફરમાવતા કહ્યું કે, ‘હું ઇન્સ્ટાગ્રામ વાપરતી જ નથી’ છતા મારી સાથે ઝઘડો કરેલ અને મારી સાથે મારકુટ કરી હતી. જેથી હું તા.૨૨/૦૨/૨૦૨૨ના રોજ રાજકોટ આવી ગઈ હતી. ૨ દિવસ બાદ મારા પિયરે આવીને મારા પતિ સમાધાન કરવાનું કહ્યું હતું. હું માની પણ ગઈ હતી. ‘મેં એ સમયે કહ્યું કે. ‘ખમો મારો ભાઈ આવે તેને મળીને આપણે નીકળીએ’ પણ મારા પતિએ ગુસ્સે થઈને કહ્યું કે, ‘તારે હજુ તારો ભાઇ કહે એમ જ કરવું છે ?’ તેમ કહી મારી સાથે ઝધડો કરવા માંડ્યા અને મારી તરફ થેલીનો છૂટો ઘા કર્યો. એ દરમ્યાન મારો ભાઇ આવી જતા તેની સાથે પણ ઝપાઝપી કરી હતી. મેં તુરંત ૧૦૦ નંબરમાં ફોન કરતા મારા પતિ ડરીને નાસી ગયા હતા. ત્યારથી આજદીન સુધી તેઓ તરફથી કોઇ ફોન આવેલ નથી. જેથી મારા પતિએ અને મારા સાસુ સસરાએ મને શારીરિક અને માનસિક દુઃખ તથા ત્રાસ આપ્યો છે.
Recent Comments