રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતી અને એમબીએ કરેલ ૨૭ વર્ષની પરિણીતાએ કોલકત્તા રહેતા પતિ વિવેક, સસરા નિલેશભાઈ ચંદુલાલ કામદાર અને સાસુ સોનલબેન વિરૂદ્ધ દહેજના પ્રશ્ને ત્રાસ આપ્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સાસુ ‘તું જાડી છો, મારા દીકરાને લાયક નથી’ તેમ કહી અવારનવાર મેણા મારતા હતા તો પતિ પરિણીતાના પિતા પાસેથી ૫ લાખ રૂપિયાની માગણી કરતો હતો. ૭ માર્ચ ૨૦૨૧નાં રોજ મારા લગ્ન વિવેક સાથે થયા હતાં. લગ્ન પછીનાં થોડા દિવસો સુધી રાજકોટ રોકાયા બાદ કોલકત્તામાં સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી. અહીં સાસુએ ઘરકામ અને નાની નાની બાબતોમાં ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. અવારનવાર ‘તને રસોઈ બનાવતા આવડતી નથી, તારામાં સંસ્કાર નથી, તું કરિયાવરમાં પણ ઓછી વસ્તુ લાવી છો’ તેમ કહી મેણાટોણાં મારવાનું શરૂ કર્યું હતું. લગ્નના બે માસ બાદ જેઠાણીએ પુત્રીને જન્મ આપતા સાસુએ મને જલ્દી બાળક કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. મારા પતિને પણ ચડામણી કરતા હોવાથી પતિ મારી સાથે ઝઘડા કરતો હતો.
સાસુ અવારનવાર ‘તું જાડી છો, મારા દીકરાને લાયક નથી’ કહી ઝઘડા કરતાં હતા. ઉપરાંત કોઈ પણ વસ્તુ લેવી હોય તો સાસુ-સસરાની મંજૂરી લેવી પડતી હતી. બન્ને હા પાડે પછી જ પતિ વસ્તુ લઈ દેતો હતો. પતિ એમ પણ કહેતો કે, ‘મને તારાથી પણ સારી છોકરી મળી જશે, તું જતી રહે તો મને કોઈ ફરક પડતો નથી.’ સાસરીયાઓએ પિયર પક્ષનાં સભ્યો સાથે પણ વાત કરવાની ના પાડતા હતી. ‘જાે વાત કરીશ તો ફોન લઈ લઇશું’ તેમ કહેતા હતા. મારા પતિએ પિયરથી પૈસા લાવવાનું કહ્યું હતું. આથી મેં ઈન્કાર કરતા ઝઘડો કર્યો હતો. સાસુ-સસરાએ પણ આ બાબતે ઝઘડો કર્યો હતો. પરિણામે પતિએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. ગત ૯ જુલાઇના રોજ પતિ સાથે પિયરમાં આવી હતી. ત્યારે પતિએ તેના પિતા પાસેથી રૂ.૫ લાખની માગણી કરી હતી.
તેના પિતાએ ના પાડતા એમ કહ્યું હતું કે, તમે તમારી દીકરીને કરીયાવર ઓછો આપ્યો છે. જાે તમે પૈસા નહીં આપો તો હું તમારી દીકરીને નહીં લઈ જાઉં. આ રીતે તેના પિયરપક્ષ સાથે ઝઘડો કરી પતિ તેને લીધા વગર કોલકત્તા જતો રહ્યો હતો. સાથોસાથ એમ પણ કહ્યું હતું કે, ‘તારે જાે પાછું આવવું હોય તો તારા પિતા પાસેથી રૂ.૨ લાખ લઈ આવજે, નહીંતર મારે તું જાેઈતી નથી.’ ત્યારબાદ સમાજનાં આગવાનો દ્વારા તેના સાસરીયા પક્ષને સમજાવવાનાં પ્રયાસો કરાયા હતાં. પરંતુ નિષ્ફળ જતાં આખરે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments