સૌરાષ્ટ - કચ્છ

રાજકોટની મિલના મેનેજરની પોલીસે જ પોલીસ ચોકીમાં જ હત્યા કરી હતી

ફેબ્રુઆરી ૨૦૧૬માં રાજમોતી ઓઇલમિલના મેનેજર દિનેશ દક્ષિણીની થયેલી હત્યા કેસમાં નવો જ વળાંક આવ્યો છે. હાલ જેલમાં રહેલા આરોપીએ સેશન્સ કોર્ટમાં તાજનો સાક્ષી બનવા કરેલી અરજીમાં આ કેસમાં કોણે શું ભૂમિકા ભજવી અને કોણે કેટલા રૂપિયાનો હવાલો લીધો સહિતની વિગતો જણાવી છે. હાલ સેશન્સ કોર્ટે ફરિયાદ પક્ષને આ સંદર્ભે જાણ કરીને વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. રાજમોતી ઇન્ડસ્ટ્રીઝમાં ૨૦૧૬માં મેનેજર તરીકે રાજકોટ ખાતે નોકરી કરતો હતો. મારી ઇન્ડસ્ટ્રીઝ ખાદ્યતેલ બનાવવાનું કામકાજ કરતી હતી.

તે અરસામાં દિનેશભાઇ મગનભાઇ દક્ષિણી અમારી અમદાવાદ ખાતેની શાખામાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. ફેબ્રુઆરી ૨૦૧૬માં અગાઉ દિનેશભાઇએ અમારી ઇન્ડસ્ટ્રીઝ સાથે ગેરરીતિ આચરી હતી. તે બાબતે મને અમારી ઇન્ડસ્ટ્રીઝના માલિક-ભાગીદાર સમીર મધુકાંત શાહ કે જેઓ આ કેસના આરોપી છે. તેઓએ તેમજ તેના ભાઇ શ્યામભાઇએ આ હિસાબ માટે તા.૨૮-૨-૨૦૧૬ના રોજ દિનેશભાઇને મળવા મને અમદાવાદ મોકલ્યો હતો. હું તા.૨૮-૨-૨૦૧૬ના દિવસે મરણજનાર દિનેશભાઇ દક્ષિણીને મળવા કાળુપુર ઓફિસે ગયો હતો. દિનેશભાઇ ત્યાં નહિ મળતા તેના ઘરે તપાસ કરાવી હતી. ત્યાં પણ તે મળ્યા ન હોય દિનેશભાઇની પત્નીના મોબાઇલ નંબર મળતા ઓફિસના કર્મચારીએ ફોન કરતા દિનેશભાઇની પત્નીએ પતિ જમીને જતા રહ્યા છે, ક્યાં ગયા છે તેની ખબર નથી, ઘરે આવશે તો જાણ કરીશ. બાદમાં દિનેશભાઇ ઘરે આવી જતા તેમના પત્નીએ ફોન કરી ઘરે આવી ગયાની વાત કરી હતી. જેથી હું દિનેશભાઇના પાલડી સ્થિત ઘરે રાત્રીના નવ વાગ્યે પહોંચ્યો હતો. દિનેશભાઇની ઘરે દિનેશભાઇ, પુષ્પાબેન, કૈલાસભાઇ, દિવ્યેશભાઇ, વિજયભાઇ, ધર્મેશભાઇ, ક્રિપાલસિંહ તેમજ એક શખ્સ જેની સહી કરી હતી તેનું નામ યાદ નથી.

અમદાવાદની ઓફિસનો માણસ હતો. અને દિનેશભાઇની પૂછપરછ બાદ તેને ગેરરીતિ આચરી છે તે મુજબનું લખાણ તેના હસ્તાક્ષરમાં ધાક-ધમકીઓ આપી લખાવી લીધું હતું. જેમાં મૃતક દિનેશભાઇ તેના પત્ની, તેમજ અમારી સાથે આવેલા તમામ વ્યક્તિઓએ તેમની સહી લખાણમાં કરાવી હતી. તે સમયે દિનેશભાઇએ જે ગેરરીતિ આચરી હતી. તેની મૌખિક કબૂલાત પણ અમારી રૂબરૂમાં કરી જેનો વીડિયો મેં કરેલો. ત્યાર બાદ અમો આ મૃતક દિનેશભાઇને તેમની ઇચ્છા વિરુદ્ધ અમારી કાળુપુર ઓફિસે રાતે લઇ ગયા હતા. શેઠ સમીરભાઇ, તેનો ભાઇ શ્યામભાઇ સાથે અમારા ફોનથી વાતચીત કરી અને મૃતક દિનેશભાઇએ ગેરરીતિ આચરી છે તેથી તેનું શું કરવું એ બાબતે પૂછતા તેઓએ અમોને દિનેશભાઇને રાજકોટ લઇ આવવાનું જણાવ્યું હતું. બાદમાં હું અને ક્રિપાલસિંહ મૃતક દિનેશભાઇને સ્ક્રોર્પિયો ગાડીમાં બેસાડી અમદાવાદથી રાજકોટ જવા નીકળ્યા હતા. તે પહેલા દિનેશભાઇના ઘરે ગયા હતા. ત્યાંથી દિનેશભાઇનો મોબાઇલ વગેરે લઇ દિનેશભાઇને તેમની મરજી વિરુદ્ધ લઇને રાજકોટ ભાવનગર રોડ પર આવેલી અમારી ઓફિસે પહોંચ્યા હતા. ત્યાં દિનેશભાઇને હાજર કર્મચારીને સોંપી હું અને ક્રિપાલસિંહ અમારા ઘરે ગયા હતા. શેઠ સમીરભાઇ અને શ્યામભાઇના કહેવાથી ફરીથી હિસાબની પૂછપરછ કરી હતી અને હિસાબમાં કરેલા ગેરરીતિના નાણાં પાછા આપવાનું જણાવતા મૃતક દિનેશભાઇએ સરખો જવાબ આપ્યો ન હતો.

જેથી શેઠ સમીરભાઇ અને શ્યામભાઇ સાથે વાત કરતા તેમણે દિનેશભાઇને મારવાનું જણાવ્યું હતું. જેથી મેં ડરાવવા માટે બેઝબોલના ડંડાથી થોડોક માર માર્યો હતો. તેમ છતાં મૃતક દિનેશભાઇએ પૈસા આપવા બાબતે કોઇ યોગ્ય જવાબ આપ્યો ન હતો. બાદમાં મેં ફરીથી શેઠને ફોન કરી વાત કરતા શેઠ સમીરભાઇ અને શ્યામભાઇએ મૃતક દિનેશભાઇને એએસઆઇ યોગેશ ભટ્ટ પાસે લઇ જવાનું જણાવ્યું હતું. બનાવ સંબંધી સત્ય એટલે કે દિનેશભાઇને મરણ સંબંધી જે ઘટના ક્રમ મારી સ્વેચ્છાએ રાજી ખુશીથી કોઇપણ દાબ દબાણ વગર જાહેર કરું છું. હું મૃતક તથા તેમના પરિવારને સાચો ન્યાય મળે તે હેતુથી તાજનો સાક્ષી બની રહ્યો છું .

Related Posts