રાજકોટમાંથી ગેરકાયદેસર ગેસ સિલિન્ડર વેચાણનું કૌભાંડ ઝડપાયું
ગુજરાત સહિત રાજકોટમાં હાલ બોગસ માર્કશીટ, સર્ટિફિકેટ, નકલી ડ્રાઈવીંગ લાયસન્સ, વગેરે જેવા કૌભાંડો બહાર આવ્યા બાદ હવે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે મામલતદાર જી.એમ. મહાવદિયાએ ઉપલેટા તાલુકાના ભાયાવદર અને પરણી ગામેથી ગેરકાયદેસર રીતે મળી આવેલ ૩૦ જેટલા ગેસ સિલિન્ડર કબ્જે કરી રૂપિયા ૭૩,૫૫૦નો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાયાવદર હોળીધાર વિસ્તારમાં જય વડવાળા ઓટો શોપના માલીક દ્વારા ઇન્ડિયન ગેસના ઘરવપરાશના ગેસ સિલિન્ડર પ્રણવ ગેસ એજન્સી જામકંડોરણા ગામના ચિત્રાવડ ગામ પાસેથી મેળવી બીલ કે આધાર વગર કોમર્શિયલ હેતુ માટે મુક્ત બજારના ભાવે વેચતા કુલ ૫ નંગ ગેસ સિલિન્ડર ઝડપી અને ત્યાંથી રૂ. ૧૭,૭૫૦ નો જથ્થો સીઝ કર્યો છે.
જયારે અરણી ગામે શાંતિલાલ જેઠાભાઈ સભાયાની બાપા સીતારામ પાનની દુકાને ઇન્ડિયન ગેસના ઘર વપરાશના બીલ વગરના ગેસ સિલિન્ડર પ્રણવ ગેસ એજન્સી પાસેથી મેળવી કોમર્શિયલ હેતુ માટે વેચાતા હોવાનુ જાહેર થતા ભરેલા તેમજ ખાલી મળી કુલ ૨૫ ગેસ સિલિન્ડર કબ્જે કરીને રૂ. ૫૫,૮૦૦ નો જથ્થો સીઝ કર્યો છે. આમ ઉપલેટા મામલતદારે કુલ ૩૦ જેટલા ગેસ સિલિન્ડર સીઝ કરીને રૂ. ૭૩,૫૫૦ નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટા મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરની આ પ્રકારની કામગીરી ઝડપવાની સાથે જ ઉપલેટા પંથકના આ પ્રકારની પ્રવૃત્તિ કરતા અન્ય લોકોમાં અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે.
Recent Comments