રાજકોટમાં છેલ્લા થોડા દિવસથી પાડતા અવિરત વરસાદને કારણે જિલ્લાના કેટલાક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે તો કેટલાક ડેમ છલકાવાને આરે છે. તેવામાં રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓરફ્લો થઈ ગયો છે. ૬૮ વર્ષમાં આ ડેમ ૧૮મી વખત ઓવરફ્લો થયો છે. રાજકોટવાસીઓમાં આજે આનંદના છોળા ઉછળી રહ્યા છે. ન્યારી-૧ અને ભાદર-૧ ડેમ ઓવરફલો થયા બાદ શહેરીજનોનો સૌથી માનીતો આજી-૧ ડેમ આજે સવારે સ્થાપનાના ૬૮ વર્ષમાં ૧૮મી વખત ઓવર ફલો થતા હરખની હેલી વ્યાપી જવા પામી છે. સવારથી શહેરમાં વરસાદ ચાલુ હોવા છતાં ડેમ સાઇટ પર લોકો ઉમટી પડયા હતા. કોર્પોરેશનના પદાધિકારીઓએ આજીમાં નવા નીરના વધામણા કર્યા હતા. 31મી જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી ડેમમાં સંગ્રહિત થઇ ગયું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિંચાઇ વિભાગના ઇજનેરી સુત્રોના જણાવ્યાનુસાર રાજકોટની જીવાદોરી સમાન આજી-૧ ડેમ આજે સવારે ઓવરફલો થઇ ગયો છે. આજે સતત ચોથા વર્ષે ડેમ છલકાયો છે. હાલ આજી ડેમ ૦.૦૧૨ મીટરની ઓવરફલો થઇ રહ્યો છે. રાજકોટની જનતા પીવાનું અને સિંચાઇનું પાણી પુરુ પાડવા માટે ૧૯૫૪ આજી ડેમનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું.
ડેમનું બાંધકામ પૂર્ણ થયા બાદ પ્રથમવાર ૧૯૭૬માં ડેમ ઓવર ફલો થયો હતો. છેલ્લા ઘણા વષોથી આજી ડેમમાંથી સિંચાઇ માટે પાણી ઉપાડવામાં આવતું નથી. માત્ર રાજકોટની જનતાને પીવાનું પાણી આપવા માટે જ ડેમમાંથી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આજે આજી ડેમ છલકાતા રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિકા શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગ માંકડ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓએ નવા નીરના વધામણા કર્યા હતા.આજી ડેમમાં હાલ ૯૧૮ એમસીએફટી પાણી સંગ્રહિત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે આજી ડેમમાંથી જેટલું પાણી ઉપાડવામાં આવે છે તે મુજબ ગણતરી કરવામાં આવે તો 31મી જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી આજીમાં સઁગ્રહિત છે. જાન્યુઆરી માસના અંતમાં ફરી આજીમાં સૌની યોજના અંગર્તત નર્મદાના નીર ઠાલવવા જ પડશે.આ વર્ષ પણ આજી ઓવરફલો થવામાં નર્મદા મૈયાની મોટી કૃપા રહી છે. ડેમમાં છેલ્લા દોઢ માસમાં ૫૩૬ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા હતા. આજે ડેમ ૧૮મી વખત ઓવરફલો થતાની સાથે જ રાજકોટવાસીઓમાં એક અલગ પ્રકારનો આનંદ વ્યાપી જવા પામ્યો છે.
Recent Comments