શહેરમાં રસ્તે રઝળતા પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે અને હવે એક આવો કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટના ગોપાલ ચોક નજીક સ્કાય કિડ્સ સ્કૂલની સામે ૮ નવેમ્બરના રોજ સવારે રસિકલાલ ઠકરાર નામના વૃદ્ધ ચાલીને જતા હતા. આ સમયે કાળા કલરની એક ગાયએ અચાનક રસિકલાલને ઢીંકે ચડાવી બાનમાં લીધા હતા. રસિકલાલ જમીન પર પટકાતા ગાયએ શીંગડા અને પગ વડે રસિકલાલને ૩ મિનિટ સુધી સતત રગદોળ્યા હતા. આથી તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનાને લઈ રસિકલાલના પુત્ર વૈભવે ગાયના માલિક વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં રખડતા ઢોરે ભોગ લીધાનો પ્રથમ ગુનો નોંધાયો છે. રસિકલાલના પુત્ર રાકેશે જણાવ્યું હતું કે, જાે કાર્યવાહી નહીં થાય તો શનિવારથી અન્નનો ત્યાગ કરી મ્યુનિ. કમિશનર ઓફિસે બેસી જઈશ.
વૈભવ ઠકરારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાયના માલિક વિરૂદ્ધ આઈપીસી કલમ ૨૮૯ તથા જી.પી. એક્ટની કલમ ૯૦ (એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવીમાં દેખાય છે કે, રસિકલાલ ચાલીને જાય છે ત્યારે બાજુમાં ઉભી એક કાળા રંગની ગાય દોડીને રસિકલાલ તરફ આવે છે. આથી રસિકલાલ બચવા માટે દોડે છે અને પાછળ ગાય પણ દોડી રહી છે. બાદમાં રસિકલાલ જમીન પર પટકાઇ છે ત્યારે ગાય તેને પહેલા ઢીંક મારે છે. બાદમાં રસિકલાલ પર ચારેય પગથી હુમલો કરવા લાગે છે. જેમાં રસિકલાલના માથા પર વધુ હુમલો કરતા તેઓ બેભાન થઈ ગયા હોવાનું જાેવા મળે છે. લોકો રસિકલાલને બચાવવા આવે છે પરંતુ ભૂરાઇ થયેલી ગાયના ડરથી તે તેની પાસે જઇ શકતા નથી. ગાય હડકાઇ થઈ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.
Recent Comments